06 October, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલીના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતી ભાષાનાં પોસ્ટરો ફાડતાં MNSના કાર્યકરો.
બોરીવલી (વેસ્ટ)ના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતી ભાષામાં લગાડવામાં આવેલાં બૅનરોને લઈને મરાઠી વિરુદ્ધ ગુજરાતી ભાષાનો વિવાદ ઊભો થયો હતો. અહીં ગાર્ડનના નિયમો અને સૂચનાઓ લખેલાં બૅનરો ગુજરાતી ભાષામાં હોવાને પગલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાઓ અને કાર્યકર્તાઓ આક્રમક થયા હતા અને ગુજરાતી ભાષામાં લખેલાં બૅનરોને ફાડી નાખ્યાં હતાં. જોકે અહીં મરાઠી, ગુજરાતી તથા હિન્દી આ ત્રણેય ભાષામાં બૅનરો લગાડવામાં આવેલાં હોવા છતાં ગુજરાતી ભાષામાં બૅનરો લગાડવામાં જ કેમ આવ્યાં એવો સવાલ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
MNSના નેતા તથા કાર્યકર્તાઓએ પોતાનો વાંધો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ગુજરાતીમાં લખેલાં બૅનરો અમને માન્ય નથી. અમે ફરીથી ચેતવણી આપીએ છીએ. વિવાદ ઊભો ન કરો. અમે અમારી સ્ટાઇલમાં બૅનરો ફાડી નાખીશું. જ્યારે ગુજરાતમાં મરાઠી નથી ચાલતી તો પછી અહીંયા કેમ જબરજસ્તી કરવામાં આવી રહી છે. પોતે જ વિવાદ ઊભો કરો છો. અમે મોટું આંદોલન કરીશું.’
હિન્દી કે ગુજરાતી ભાષાને મહારાષ્ટ્રમાં નહીં ચલાવી લેવાય એવી ચેતવણી આપતાં MNSના કાર્યકરોએ કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષાની કોને જરૂર છે? હિન્દી કે ગુજરાતી જોઈએ છે કોને? અમને ફક્ત મરાઠી ભાષા જ જોઈએ છે. અમે આ નહીં ચલાવી લઈએ. અમે બૅનરો ફાડી નાખ્યાં છે અને જ્યાં-જ્યાં દેખાશે ત્યાં ફાડી નાખીશું. અમે આ બાબતે પત્ર લખીને જણાવ્યું છે. અમને ત્રણ ભાષામાં બૅનરો નથી જોઈતાં. જો બૅનરો નહીં કાઢવામાં આવે તો અમે અમારી સ્ટાઇલમાં કાઢીશું.’