27 October, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
MNSના ચીફ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સરકારની ટીકા કરતાં કહ્યું કે ઇચ્છા હોય તો ઉકેલો લાવે, ઉકેલ લાવવો એ કોઈ રૉકેટ સાયન્સ નથી
નવી મુંબઈના વાશીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની વાહતૂક (ટ્રાફિક) સેનાની સભા યોજવામાં આવી હતી, જેમાં હાજર રહેલા MNSના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર તથા દેશમાં ટ્રાફિકની સમસ્યા વિશે વાત કરી હતી તથા મહારાષ્ટ્રના લોકો મહારાષ્ટ્રની સત્તા ક્યારે પોતાના હાથમાં સોંપે છે એની રાહ જોતા હોવાના ઓરતા જાહેર કર્યા હતા.
આડેધડ વાહનોનાં થઈ રહેલાં રજિસ્ટ્રેશન અને મહારાષ્ટ્રમાં બહારનાં રાજ્યોમાંથી આવતાં વાહનો વિશે વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘રસ્તાઓ બને છે પણ રસ્તા પર વાહનો ચલાવવાં કઈ રીતે? વાહનોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે એમને પાર્ક ક્યાં કરવાં એ પણ ખબર પડતી નથી. પુષ્કળ સંખ્યામાં વાહનોનાં રજિસ્ટ્રેશન થઈ રહ્યાં છે અને બહારથી કેટલાં વાહનો આવી રહ્યાં છે એની કોઈ ગણતરી જ નથી કે નથી એનો રેકૉર્ડ. કોઈ પ્રકારનો નિયમ કે અંકુશ લાદવાનો વિચાર જ સરકારને નથી આવી રહ્યો. શિસ્ત લાવવી એ ઇચ્છાશક્તિની વાત છે, કોઈ રૉકેટ સાયન્સ નથી. મહારાષ્ટ્રની સત્તા મારા હાથમાં ક્યારે આવે છે એની હું રાહ જોઈ રહ્યો છું.’
ફ્લાયઓવર-બ્રિજ બનાવ્યે રાખે છે, દોષનો ટોપલો ટ્રાફિક-પોલીસ પર ઢોળાય છે
રાજ ઠાકરેએ સરકારની નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે ‘કોઈ ટ્રાફિકની સમસ્યા વિશે વાત જ નથી કરતું. વાહન કઈ રીતે ચલાવવું, પાર્ક ક્યાં કરવું એ વિશે કોઈ ચર્ચા જ નથી કરતું. ફક્ત મનફાવે એમ પુલો, બ્રિજ અને ફ્લાયઓવર બનાવ્યે જ જાય છે. રસ્તા બનાવાય છે અને એ પણ એવા કે બે વર્ષે ફરી એનું સમારકામ કરાવવું પડે એવી ક્વૉલિટીના. ટ્રક, ટ્રેલર જેવાં ભારે વાહનો હાઇવેના રસ્તાની જમણી બાજુએ ચલાવતાં હોય છે, જ્યારે નિયમ મુજબ એમણે ડાબી બાજુએથી ચલાવવું જોઈએ. રસ્તાના કૉર્નર પર વાહનો પાર્ક ન કરવાનો નિયમ છે. ઊલટાનું ત્યાં જ લોકો વાહનો પાર્ક કરે છે. સરકાર કોઈ જવાબદારી લેતી નથી અને જો કંઈ પણ થાય તો દોષનો ટોપલો પોલીસ પર, ટ્રાફિક-પોલીસ પર ઢોળી દેવામાં આવે છે.’