06 April, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા ત્રણ પ્રાઇમ કમર્શિયલ પ્લૉટનું ગઈ કાલે ઑક્શન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને ૩૮૪૦ કરોડ રૂપિયા મળ્યા હતા.
MMRDAના અધિકારીના જણાવ્યા મુજબ BKCમાં આવેલા C-13, C-19 અને C-80 નંબરના પ્લૉટના ઑક્શન માટે બિડ મગાવવામાં આવી હતી. જપાનની સુમિતોમો કૉર્પોરેશનની ભારતીય કંપની ગોઇસુ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડે C-13 પ્લૉટ માટે સૌથી વધુ ૧૩૬૦.૪૮ કરોડ રૂપિયા અને C-19 પ્લૉટ માટે ૧૧૭૭.૮૬ કરોડ રૂપિયાની બોલી લગાવીને આ બન્ને પ્લૉટ મેળવ્યા હતા. C-80 પ્લૉટ માટે સ્કલોસ બૅન્ગલોર લિમિટેડ, અર્લિગા ઇકોસ્પેસ બિઝનેસ પાર્ક્સ અને સ્કલોસ ચાણક્ય પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓએ સંયુક્ત રીતે ૧૩૦૨.૧૬ કરોડ રૂપિયાની સૌથી વધુ બોલી લગાવીને મેળવ્યો હતો. MMRDAની ધારણા કરતાં ૪૦ ટકા વધુ એટલે કે ત્રણેય પ્લૉટના ઑક્શન થકી ૩૮૪૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.