24 November, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદરના BJPના ઉમેદવાર નરેન્દ્ર મહેતા વિજય પછી.
મીરા-ભાઈંદરમાં ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને અપક્ષ ઉમેદવારનો મુકાબલો થયો હતો. ૨૦૧૯માં ટિકિટ ન મળવાથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડીને ગીતા જૈને BJPના ઉમેદવાર નરેન્દ્ર મહેતાને ૧૫,૦૦૦ મતથી હરાવીને આશ્ચર્ય સરજ્યું હતું. જોકે આ વખતે હિન્દુઓના મતને વિભાજિત થવાથી રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક હૈં તો સેફ હૈં’ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘કટેંગે તો બટેંગે’ સૂત્ર આપ્યું હતું. હિન્દુઓના મત વિભાજિત થશે તો કૉન્ગ્રેસને ફાયદો થશે એમ માનીને લોકોએ BJPને એકતરફી મતદાન કર્યું હતું. નરેન્દ્ર મહેતાને કુલ થયેલા ૨,૬૨,૫૩૮ મતદાનમાંથી ૫૪.૮૭ ટકાના હિસાબે ૧,૪૪,૩૭૬ મત મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર ગીતા જૈનને ૮.૭૬ ટકાના હિસાબે માત્ર ૨૩,૦૫૧ મત જ મળ્યા હતા. મોટા ભાગના મુસ્લિમ મતદારોએ કૉન્ગ્રેસના મુઝફ્ફર હુસૈનને મત આપતાં તેમને ૮૩,૯૪૩ મત મળ્યા હતા. આ મુકાબલામાં નરેન્દ્ર મહેતાનો ૬૦,૪૩૩ મતથી વિજય થયો હતો અને ગયા વખતનાં વિધાનસભ્ય ગીતા જૈન ત્રીજા નંબરે રહ્યાં હતાં.