13 December, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) હવે આવતાં પાંચ વર્ષમાં મુંબઈમાં અઢી લાખ ઘર બનાવવાની છે એટલું જ નહીં, અફૉર્ડેબલ ઘરની કિંમત ૩૦ ટકા સુધી ઘટાડવાની કોશિશ કરી રહી છે.
મુંબઈમાં જગ્યાની અછત હોવાથી ઘરના ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર નીકળી જાય છે. એથી મોટી સંખ્યામાં લોકો MHADAના ઘર પર આશા લગાડીને બેઠા હોય છે. MHADAના ઘર પ્રાઇવેટ બિલ્ડર કરતાં સસ્તામાં ઑફર કરવામાં આવતાં હોવાથી એની સારીએવી ડિમાન્ડ હોય છે.
જોકે હવે MHADA લોકોને ભાડા પર ફ્લૅટ પણ આપશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને અને બહારગામથી નોકરી કરવા આવતી યુવતીઓને ભાડાના આ ઘરની ફાળવણી કરવામાં આવશે.
MHADAના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘અમારી પાસે હાલ મુંબઈમાં ૨૦૦૦ હેક્ટર જમીન છે. એ સિવાય ૧૧૪ હાઉસિંગ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જૂનાં મકાનોનું રીડેવલપમેન્ટ થવાથી ઘણા નવા ફ્લૅટ તૈયાર થશે. આવી અનેક સ્કીમ અંતર્ગત અમારી પાસે અઢી લાખ ફ્લૅટ તૈયાર થશે. આ માટે રીડેવલપમેન્ટની બધી જ પરવાનગીઓ વન વિન્ડો હેઠળ આપવામાં આવી રહી છે.’
MMRમાં ૩૦ લાખ ઘર તૈયાર કરવાનો ટાર્ગેટ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૩૦ સુધીમાં MMRમાં ૩૦ લાખ ઘર બનાવવામાં આવશે. એમાંથી ૮ લાખ ઘર MHADA બનાવવાની છે અને એમાંનાં ૨.૫ લાખ ઘર મુંબઈમાં બનવાનાં છે. આટલી મોટી સંખ્યામાં ઘર બનાવવાનાં હોય તો પ્રાઇવેટ સેક્ટરમાં બિલ્ડરોને સાથે લેવા પડે એમ હોવાથી MHADAએ પ્રાઇવેટ બિલ્ડરો સાથે પણ બેઠકો કરવાનું શરૂ કર્યું છે.