midday

MHADA આ વર્ષે ૪૦૦૦ અન્ડર-કન્સ્ટ્રક્શન ફ્લૅટની લૉટરી કાઢશે

16 January, 2025 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એની પાસે ઘરોનો સ્ટૉક ન હોવાથી આવો નિર્ણય લેવાનો વારો આવ્યોઃ જોકે જેને લૉટરી લાગશે તેણે ૨૫ ટકા પૈસા આપ્યા બાદ હપ્તામાં પૈસા ભરવાના રહેશે અને એના માટે તેમને હોમ લોન પણ મળી રહેશે
મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

ગયા વર્ષે મુંબઈમાં ૨૦૦૦ ઘરોની લૉટરી કાઢ્યા બાદ આ વર્ષે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)એ લોકોને પરવડી શકે એવાં ચારેક હજાર ઘરોની લૉટરી કાઢવાનું નક્કી કર્યું છે.

જોકે આ વખતે એ જે બિલ્ડિંગોનું કામ દોઢ-બે વર્ષમાં પૂરું થવાનું છે એવા ફ્લૅટની અત્યારથી લૉટરી કાઢવાનું વિચારી રહી છે અને એના માટે એણે આવા કેટલા ફ્લૅટ છે એનો સર્વે પણ શરૂ કરી દીધો છે. અત્યારે MHADA પાસે રેડી ફ્લૅટ ઓછા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતની લૉટરીની સૌથી મોટી હાઇલાઇટ્સ એ હશે કે જે લોકોને લૉટરી લાગશે તેમણે હપ્તામાં પૈસા ભરવાના રહેશે. લૉટરી લાગ્યા બાદ ફ્લૅટની ૨૫ ટકા રકમ ભરીને તેઓ હોમ લોન માટે અપ્લાય કરી શકશે અને એના માટે MHADA નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ આપશે.

લોકોને અરજી કરવા પહેલાં દરેક ફ્લૅટ ક્યારે રેડી થશે અને એનો તાબો ક્યારે આપવામાં આવશે એની માહિતી આપવામાં આવશે જેથી લોકો પોતાની અનુકૂકુળતા મુજબ અપ્લાય કરી શકે.

ગયા વર્ષે MHADAનાં ૨૦૦૦ ઘરની લૉટરી માટે ૧,૧૩,૦૦૦ લોકોએ અરજી કરી હતી એટલે કે એક ઘર માટે ૫૬ લોકોએ અપ્લાય કર્યું હતું. આટલો સારો રિસ્પૉન્સ હોવાને લીધે આ વર્ષે પણ અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ફ્લૅટની લૉટરી કાઢવાનું MHADAએ નક્કી કર્યું છે.

maharashtra MHADA news mumbai mumbai news