મરીન ડ્રાઈવ હિટ એન્ડ રન: મર્સિડીઝ ચાલકે બે પોલીસકર્મીઓને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ

25 May, 2026 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Marine Drive accident: મુંબઈના મરીન ડ્રાઈવમાં નોંધાયો વધુ એક હિટ એન્ડ રનનો કેસ; ૨૯ વર્ષીય કારચાલે નાકાબંધી પર ફરજ બજાવી રહેલા બે પોલીસ કર્મચારીઓને અડફેટમાં લીધા; આરોપી નિહાર સોલંકીની નાલાસોપારાથી ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ના પ્રખ્યાત મરીન ડ્રાઈવ (Marine Drive) વિસ્તારમાં એક સનસનાટીભરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મરીન ડ્રાઈવ નજીક નાકાબંધી (ચેકપોઇન્ટ) પર ફરજ બજાવી રહેલા બે પોલીસ કર્મચારીઓને એક પૂરપાટ ઝડપે આવતી મર્સિડીઝ કારે જોરદાર ટક્કર મારી (Marine Drive accident) હતી. આ અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, મુંબઈ પોલીસ (Mumbai Police)એ આ મામલે ૨૯ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.

બે પોલીસકર્મીને મર્સિડીઝ કારે ટક્કર મારી

મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી હિટ એન્ડ રન (Hit and Run Case)ની ઘટના સામે આવી છે, જ્યાં નાકાબંધી દરમિયાન ચેકિંગની કામગીરી કરી રહેલા બે પોલીસ કર્મચારીઓને એક પૂરપાટ ઝડપે આવતી મર્સિડીઝ કારે જોરદાર ટક્કર (Marine Drive accident) મારી દીધી હતી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીઓની ઓળખ કોન્સ્ટેબલ કૃષ્ણકાંત મિશ્રા અને કોન્સ્ટેબલ રાઠોડ તરીકે થઈ છે, જેઓ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન (Marine Drive Police Station)માં ફરજ બજાવે છે. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેઓ બોમ્બે હોસ્પિટલ (Bombay Hospital)ના આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ છે.

૨૯ વર્ષીય આરોપીની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર આરોપીની ઓળખ ૨૯ વર્ષીય નિહાલ સોલંકી તરીકે થઈ છે, જે નાશિકના (Nashik) પંચવટી વિસ્તારનો રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સોલંકી રવિવારે રાત્રે મરીન ડ્રાઈવ નજીક ખૂબ જ ઝડપે લક્ઝરી કાર ચલાવી રહ્યો હતો, ત્યારે ફરજ પરના પોલીસકર્મીઓએ બેરિકેડિંગ ચેક દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વાહન ધીમું કરવાને બદલે આરોપીએ કારની ઝડપ વધારી દીધી હતી અને બંને પોલીસકર્મીઓને અડફેટે લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ મરીન ડ્રાઈવ પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી અને સોમવારે સવારે આરોપીને નાલાસોપારા (Nalasopara)થી શોધી કાઢ્યો હતો. ત્યારબાદ આગળની તપાસ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પોલીસને આશંકા છે કે અકસ્માત સમયે આરોપી દારૂના નશામાં હોઈ શકે છે. અકસ્માત વખતે તે નશામાં હતો કે નહીં તેની પુષ્ટિ કરવા માટે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

મરીન ડ્રાઈવ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓ અકસ્માત પહેલાની અને પછીની કારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે મરીન ડ્રાઈવના સમગ્ર માર્ગ અને નજીકના જંક્શનો પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજની પણ તપાસ કરે તેવી શક્યતા છે.

આ ઘટનાએ મુંબઈમાં મોડી રાત્રે યોજાતી નાકાબંધી દરમિયાન માર્ગ સલામતી અને નિયમોના પાલન અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે. 

marine drive road accident mumbai police nalasopara Crime News mumbai crime news mumbai mumbai news