મરાઠા અનામત માટે ભૂખહડતાળના સાતમા દિવસે મનોજ જરાંગેએ છગન ભુજબળને આંટામાં લીધા

05 September, 2026 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગતું હતું કે ઉંમર વધવાની સાથે બુદ્ધિ આવશે, પરંતુ વધતી ઉંમરે પણ ભુજબળની માનસિકતા અને વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી

મનોજ જરાંગે, છગન ભુજબળ

જાલના જિલ્લાના અંતરવાલી-સરાટી ગામ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મરાઠા નેતા મનોજ જરાંગેએ અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના વરિષ્ઠ નેતા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબળ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. છગન ભુજબળ સતત OBC ક્વોટામાંથી મરાઠાઓને અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે ‘મને લાગતું હતું કે ઉંમર વધવાની સાથે બુદ્ધિ આવશે, પરંતુ વધતી ઉંમરે પણ ભુજબળની માનસિકતા અને વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેથી જો મરાઠા અનામતનો ઉકેલ નહીં આવે તો મરાઠા સમાજ મહાયુતિને મત નહીં આપે.’
મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલે શુક્રવારે પોતાની ભૂખહડતાળના સાતમા દિવસે પણ આંદોલન પાછું ખેંચવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે માગણી કરી છે કે પાત્ર મરાઠાઓને કુણબી જાતિનાં પ્રમાણપત્રો આપવા માટે રાજ્ય સરકાર ૧૧ સપ્ટેમ્બર સુધીમાં સત્તાવાર સરકારી આદેશ આપે. જો ૧૧ સપ્ટેમ્બર સુધીમાં માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ૧૨ સપ્ટેમ્બરે મુંબઈમાં આંદોલન કરવાની ચીમકી તેમણે ફરી ઉચ્ચારી છે.  

manoj jarange patil chhagan bhujbal mumbai mumbai news maratha reservation nationalist congress party