16 September, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
આંદોલનની પરવાનગી મુંબઈ પોલીસે નકારી કાઢી હોવા છતાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મંગળવારે સવારે જાલના જિલ્લાના અંતરવાલી સરાટીથી મુંબઈ તરફ રવાના થયા છે.
બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા આંદોલન રોકવાનો ઇનકાર કરાયેલા ચુકાદાનો ઉલ્લેખ કરતાં મનોજ જરાંગેએ પત્રકારોને જણાવ્યું હતું કે લોકશાહી ઢબે આંદોલન કરી રહેલા લોકોને રોકી શકાતા નથી. આ સાથે જ તેમણે પોતાની હત્યાનું ષડ્યંત્ર રચાયું હોવાનો આરોપ લગાવતાં કહ્યું કે ભલે મારો જીવ જાય, પણ હું મરાઠા સમાજ સાથે દગો નહીં થવા દઉં. ૧૮ દિવસથી અન્ન લીધું ન હોવાથી મનોજ જરાંગેની તબિયત લથડી હતી. તેમના પરિવારજનો અને ગામવાસીઓએ તેમને વિદાય આપી ત્યારે મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘જો હું મરી જઈશ તો એના માટે જવાબદાર માત્ર એક જ વ્યક્તિ હશે, દેવેન્દ્ર ફડણવીસ.’
ગણેશોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા દર્શાવીને મુંબઈ પોલીસે આઝાદ મેદાન ખાતે વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી આપી નહોતી. એટલે અગાઉ હજારો લોકોને ભેગા કરવાના આયોજનમાં ફેરફાર કરીને મનોજ જરાંગેએ પાંચથી ૧૦ પસંદગીના સહયોગીઓ સાથે મુંબઈ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.
ગણેશોત્સવમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ : દેવેન્દ્ર ફડણવીસ
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈમાં આંદોલન કરવા માટે રવાના થયા છે એ જ દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે હિન્દુઓના મોટા તહેવારોમાંના એક એવા ગણેશોત્સવ દરમ્યાન સામાન્ય નાગરિકોને કોઈ અસુવિધા ન થવી જોઈએ. મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે ‘પોલીસે મુંબઈમાં આંદોલન કરવાની જરાંગેની બે અરજી અગાઉ નકારી કાઢી છે. જો કોઈ નવી અરજી આવશે તો પોલીસ એની યોગ્યતાના આધારે નિર્ણય લેશે.’
દેવેન્દ્ર ફડણવીસે એવો દાવો પણ કર્યો હતો કે મરાઠા આંદોલનકારીઓની ૧૩ કાયદેસર માગણીઓમાંથી સરકારે ૧૨ માગણીઓ સ્વીકારી લીધી છે, જ્યારે બાકી રહેલી એક માગણી વિશે રહેલી કાનૂની મુશ્કેલીઓ વિશે સરકારે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી છે. કોર્ટના આદેશ વિરુદ્ધ જવાથી ભવિષ્યમાં મરાઠા સમુદાયને જ નુકસાન થઈ શકે છે એ બાબત પણ તેમણે ધ્યાનમાં મૂકી હતી.
પોલીસ-પ્રોટેક્શન અને ઍમ્બ્યુલન્સ સાથે નીકળેલા મનોજ જરાંગેને ખોપોલીમાં અટકાવાય એવી શક્યતા
મનોજ જરાંગેનો કાફલો બીડ, અહિલ્યાનગરના શ્રીગોંડા, પુણેના હડપસર અને રાયગડ જિલ્લાના ખોપોલી થઈને ૧૯ સપ્ટેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચશે. જોકે તેમને ખોપોલીથી આગળ વધવા ન દેવાય એવી શક્યતા છે. તેમના કાફલામાં બે કાર અને બે ઍમ્બ્યુલન્સ સામેલ છે. અંતરવાલી સરાટીથી શહાગઢ રૂટ પર ૩ સબ-ડિવિઝનલ પોલીસ-ઑફિસર, ૧૦ ઇન્સ્પેક્ટર, ૩૦ અસિસ્ટન્ટ/સબ-ઇન્સ્પેક્ટર, ૩૦૦ પોલીસના જવાનો, ૨૬૫ હોમગાર્ડ અને રૅપિડ સિટી પોલીસ (RCP)ની બે પ્લૅટૂન સહિત કુલ ૬૪૮ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગરના સ્પેશ્યલ પ્રોટેક્શન યુનિટ (SPU) અને જાલના પોલીસ દ્વારા મનોજ જરાંગેને બે બૉડીગાર્ડ સાથે વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
જો મારા પપ્પાને કશું થયું તો સરકારનું આવી બનશે : મનોજ જરાંગેની દીકરી
મનોજ જરાંગે અંતરવાલી સરાટીથી નીકળ્યા ત્યારે તેમના પરિવારજનોએ તેમને સજળ આંખે વિદાય આપી હતી. આંદોલન-સ્થળથી નીકળ્યા પછી ધુળે-સોલાપુર રોડ પર અંકુશનગર પાસે તેમની પત્ની અને દીકરીએ તેમનું સ્વાગત કર્યું હતું. કોડીની માળા પહેરાવીને અને વિજય તિલક કરીને તેમની જીતની કામના કરવામાં આવી હતી. દરમ્યાન મનોજ જરાંગેની દીકરીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘જો મારા પપ્પાને કશું થયું તો સરકારનું આવી બનશે. સરકારને છુપાવા માટે કોઈ જગ્યા નહીં બચે એવા હાલ થશે. એટલે જલદીથી જ મરાઠા અનામત માટે નિર્ણય લો.’
મનોજ જરાંગે અંતરવાલી સરાટીથી નીકળ્યા ત્યારે હજારો સમર્થકોએ તેમને ભવ્ય વિદાય આપી હતી.
મુંબઈ તરફ કૂચ કરી રહેલા મનોજ જરાંગેનું બીડ જિલ્લાનાં વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગેવરાઈ શહેરમાં ક્રેનની મદદથી ફૂલનો હાર પહેરાવીને અને આતશબાજી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.