05 November, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરગામ ચોપાટી ખાતે આવેલ વૉલીબૉલ ગ્રાઉન્ડ
ગિરગામ ચોપાટી ખાતે આવેલા વૉલીબૉલ ગ્રાઉન્ડ પર ઑરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ અન્ડરગ્રાઉન્ડ રોડ ટનલ પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન બનાવવાની યોજના સામે મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને એ મેદાન સામાન્ય લોકોના ઉપયોગ માટે ખુલ્લું રાખવા જણાવ્યું છે.
મલબાર હિલ મતવિસ્તારના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ શહેરના ઍડિશનલ કલેક્ટર બાપ્પાસાહેબ થોરાત અને રેસિડન્ટ ઑફિસર શિવાનંદ લંગડાપુરે સાથે મુલાકાત કરી હતી. તેમણે મફતલાલ જિમખાના ખાતેના રમતગમતના આ મેદાનને ઓપન સ્પેસ તરીકે જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
મંગલ પ્રભાત લોઢાએ અધિકારીઓને જણાવ્યું હતું કે સબ-સ્ટેશન બનાવવા માટે ઓછામાં ઓછી બે વૈકલ્પિક જગ્યાઓ ઉપલબ્ધ છે. એમાંનો એક ગ્રાઉન્ડની સામે આવેલો રેલવેનો પ્લૉટ છે, જ્યારે બીજી જગ્યા ગિરગામ ચોપાટી ખાતે જ છે જ્યાં અગાઉ અન્ડરગ્રાઉન્ડ સબ-સ્ટેશન માટે કામ શરૂ થયું હતું.
મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે ખુલ્લી જગ્યાઓ છીનવાઈ રહી હોવા વિશે નાગરિકોમાં સતત ચિંતા વધી રહી છે એવા સમયે આ મુલાકાત યોજાઈ હતી. વૉલીબૉલ ગ્રાઉન્ડ પર સબ-સ્ટેશન બનાવવાની દરખાસ્ત
હાઈ-પાવર્ડ કમિટી દ્વારા મૂકવામાં આવી હતી. જોકે મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે એ કમિટીના મોટા ભાગના સભ્યો હવે વૈકલ્પિક જગ્યાઓ પર વિચાર કરવા સંમત થયા છે.
મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે ‘વૉલીબૉલ સામાન્ય નાગરિકો દ્વારા રમાતી રમત છે. અહીં દરરોજ સવારે ૬ વાગ્યાથી ૩૦૦થી ૫૦૦ લોકો રમવા આવે છે, જ્યારે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે અમારી માગણી છે કે આ મેદાન સામાન્ય લોકોના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે.’