હું ડી ગૅન્ગથી બોલું છું, મુંબઈમાં બ્લાસ્ટ કરવામાં આવશે

17 April, 2025 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને આવી ધમકી આપનારા યુવાનને બોરીવલીથી પકડી પાડવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનાર યુવાનને મુંબઈ પોલીસે ઝડપી તપાસ કરી બોરીવલીથી પકડી લીધો હતો. પકડાયેલા યુવાને આ પહેલાં પણ મુંબઈ પોલીસને આ રીતના ફોન કરી દોડતી કરી હતી.

મુંબઈ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે ૨.૩૦ વાગ્યે મુંબઈના કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે હું ‘ડી’ ગૅન્ગનો સભ્ય છું, મુંબઈમાં બ્લાસ્ટ કરવામાં આવશે એટલું કહી તેણે ફોન કટ કરી નાખ્યો હતો. એ ફોન કૉલ રિસીવ કરનાર મહિલા પોલીસ-કર્મચારીએ તરત એ વિશે તેના સિનિયર ઑફિસરને જાણ કરી હતી. એથી એ કૉલ ક્યાંથી આવ્યો હતો એ ટ્રૅસ કરી એની વિગતો મેળવવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિ સૂરજ જાધવ છે એમ તેની ઓળખ પ્રસ્થાપિત થતાં જ પોલીસે બોરીવલીથી તેને ઝડપીને તાબામાં લીધો હતો. કેટલાક મહિના પહેલાં પણ સૂરજ જાધવે મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ કરાશે એવો ધમકીભર્યો ફોન કર્યો હતો. એ વખતે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે તેની સામે એ પહેલાં પણ ગુના નોંધવામાં આવ્યા હતા અને પોલીસે તેને તડીપાર પણ કર્યો હતો.’

સૂરજ જાધવ વિશે જણાવતાં પોલીસે વધુમાં કહ્યું હતું કે ‘સૂરજ આ પહેલાં પણ અનેક વાર ફોન કરી ચૂક્યો છે; જેમ કે લાઉડસ્પીકર મોટેથી વાગી રહ્યા છે, જોરથી ફટાકડા ફૂટી રહ્યા છે વગેરે વગેરે. જ્યારે પોલીસ એ બાબતે તપાસ કરતી ત્યારે એ ફરિયાદ બોગસ હોવાનું જણાઈ આવતું હતું.’

mumbai news mumbai mumbai crime news Crime News mumbai police