✕

મસાલાના વેપારીઓ સામે FDAની મોટી કાર્યવાહી

30 October, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯.૭૦ કરોડ રૂપિયાનો સ્ટૉક જપ્ત, મુંબઈ અને થાણેમાં ૧૨ લાઇસન્સ સસ્પેન્ડ

FDAએ થાણેથી જપ્ત કરેલી સામગ્રી.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યભરમાં મસાલા અને મસાલા ઉત્પાદનોમાં થતી ભેળસેળ, હલકી ગુણવત્તા અને અસુરક્ષિત સામગ્રી સામે લાલ આંખ કરી છે. પહેલી એપ્રિલથી ૨૯ ઑક્ટોબર દરમ્યાન હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ અધિકારીઓએ ૧૦૫૭ સ્થળે દરોડા પાડીને ૧૧,૯૬૩.૮૭ ક્વિન્ટલ મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ૧૯.૭૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ગેરરીતિઓ સામે કડક વલણ અપનાવતાં વિભાગે કુલ ૮૪ ખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે અને ૫૫૭ સુધારણા નોટિસ ફટકારી છે. આ સમયગાળા દરમ્યાન મસાલાનાં ૧૬૧૬ સૅમ્પલ એકઠાં કરીને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
લાઇસન્સ રદ કરવાની આ કાર્યવાહીમાં છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં સૌથી વધુ ૨૭ લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે. એ સિવાય પુણે અને અમરાવતીમાં ૧૪-૧૪, નાશિકમાં ૮ અને નાગપુરમાં ૭ લાઇસન્સ મોકૂફ રખાયાં છે. વિશેષ નોંધનીય છે કે મુંબઈ અને થાણે બન્ને વિસ્તારોમાં ૧૨-૧૨ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. માત્ર ૨૩થી ૨૯ ઑક્ટોબર વચ્ચેના ૭ દિવસના વિશેષ સઘન અભિયાન દરમ્યાન જ ૧૩.૬૦ કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી હતી અને ૭૨ લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં, જે કુલ જપ્ત સ્ટૉકનો આશરે ૬૯ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ ૭ દિવસમાં જ છત્રપતિ સંભાજીનગરમાંથી ૬.૪૩ કરોડ, પુણેમાંથી ૪ કરોડ અને થાણેમાંથી ૩.૧૯ કરોડ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

તુકારામ મુંઢેની અપીલ
FDAના કમિશનર તુકારામ મુંઢેએ તમામ વેપારીઓને કાચા માલના સ્રોતા તેમ જ ખરીદ-વેચાણના ચોક્કસ રેકૉર્ડ રાખવા અને માત્ર લેબલવાળું પૅકિંગ જ વેચવાની અપીલ કરી છે. જે એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેઓ આ ગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારનો ખાદ્ય વ્યવસાય કરી શકશે નહીં. એની સાથે જ વિભાગે ગ્રાહકોને પણ ખુલ્લા કે વગર લેબલવાળા મસાલા ન ખરીદવાની અને પ્રોડક્ટ પર બૅચ-નંબર, પૅકિંગની તારીખ અને બેસ્ટ બિફૉર જેવી વિગતો ચકાસીને જ ખરીદી કરવાની સલાહ આપી છે.

mumbai news mumbai food and drug administration food and drink mumbai food tukaram mundhe