20 October, 2024 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ વસ્તીમાં નંબર વન, પણ ટૅક્સ ચૂકવવાના મામલે નવમા ક્રમાંકે
ઉત્તર પ્રદેશ વસ્તીની દૃષ્ટિએ ભારતનું પહેલા ક્રમાંકનું રાજ્ય છે પણ ડાયરેક્ટ ટૅક્સિસ કલેક્શનના મુદ્દે એનો નંબર બીજાં રાજ્યોની સરખામણીમાં ઘણો પાછળ છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ (CBDT)એ ટૅક્સ કલેક્શનના જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં ડાયરેક્ટ ટૅક્સિસ કલેક્શનમાં ઉત્તર પ્રદેશનું યોગદાન માત્ર ૪૮,૩૩૩.૪૪ કરોડ રૂપિયાનું જ છે. વસ્તીની દૃષ્ટિએ બીજા નંબરના રાજ્ય બિહારનું પણ ૨૦૨૩-’૨૪માં ડાયરેક્ટ ટૅક્સ કલેક્શનમાં યોગદાન માત્ર ૬૬૯૨.૭૩ કરોડ રૂપિયા છે.
મહારાષ્ટ્ર નંબર વન
CBDTના ડેટા મુજબ ૨૦૨૩-’૨૪માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૧૯.૬૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આમાં મહારાષ્ટ્રનું યોગદાન ૭,૬૧,૭૧૬.૩૦ કરોડ રૂપિયા (આશરે ૭.૬૨ લાખ કરોડ રૂપિયા) હતું. આમ કુલ ટૅક્સ કલેક્શનમાં મહારાષ્ટ્રનું યોગદાન ૩૯ ટકા છે. કેન્દ્ર સરકારના ખજાનામાં ઉત્તર પ્રદેશ કરતાં ૧૫ ગણો ડાયરેક્ટ ટૅક્સ મહારાષ્ટ્રમાંથી
આવે છે.
કર્ણાટક-દિલ્હી બીજા-ત્રીજા સ્થાને
મહારાષ્ટ્ર બાદ ડાયરેક્ટ ટૅક્સ ચૂકવવાના મામલે કર્ણાટક બીજા અને દિલ્હી ત્રીજા નંબરે છે. ૨૦૨૩-’૨૪માં કર્ણાટકે ડાયરેક્ટ ટૅક્સ રૂપે ૨.૩૫ લાખ કરોડ રૂપિયા અને દિલ્હીએ ૨.૦૩ લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. ૧.૨૭ લાખ કરોડ રૂપિયા સાથે તામિલનાડુ ચોથા સ્થાને રહ્યું છે.
પાંચમા સ્થાને ગુજરાત
૨૦૨૩-’૨૪માં ડાયરેક્ટ ટૅક્સ કલેક્શનમાં ૯૩,૩૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપી ગુજરાત પાંચમા ક્રમાંકે રહ્યું છે. ૮૪,૪૩૯ કરોડ રૂપિયાના યોગદાન સાથે તેલંગણ છઠ્ઠા સ્થાન પર છે. ૭૦,૯૪૭.૩૧ કરોડ રૂપિયા સાથે હરિયાણા સાતમા ક્રમાંકે અને ૬૦,૩૭૪.૬૪ કરોડ રૂપિયા સાથે વેસ્ટ બૅન્ગોલ આઠમા સ્થાને છે. ત્યાર બાદ નવમો ક્રમાંક ઉત્તર પ્રદેશનો છે.