હાઈ વૉલ્ટેજ ડ્રામાનું થઈ ગયું સુરસુરિયું

06 May, 2023 09:10 AM IST  |  Mumbai | Dharmendra Jore

પક્ષના કાર્યકરો અને સાથી નેતાઓનો ભારે આગ્રહ જોઈને શરદ પવારે એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત પાછી ખેંચી : જોકે એ વખતે અજિત પવાર હાજર નહોતા : ટૂંક સમયમાં પાર્ટીના સ્ટ્રક‍્ચરમાં ફેરફારો કરાશે એવી ઘોષણા કરાઈ

શરદ પવારે ગઈ કાલે સાંજે રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. શરદ પવારને ગઈ કાલે સવારે મળેલા નેતાઓમાં અજિત પવાર પણ હતા. (તસવીર : અતુલ કાંબલે, પી.ટી.આઈ.)

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષપદેથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરનાર દિગ્ગજ રાજકારણી શરદ પવારે ત્રણ દિવસ બાદ એનસીપીની સિલેક્શન કમિટીએ તેમના રાજીનામું આપવાના નિર્ણયને ફગાવી દઈને તેમણે જ પાર્ટીનું સુકાન સંભાળવું એવો પ્રસ્તાવ મૂકતાં આખરે લોકલાગણીને માન આપીને કાર્યકરો અને સાથી નેતાઓના આગ્રહને લઈને ફરી એક વાર એ જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી અને અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો. ત્રણ દિવસના આ હાઈ વૉલ્ટેજ ડ્રામાના અંતે તેમણે ઝટકો આપતાં કહ્યંં હતું કે તેઓ હાલ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે; પરંતુ કોઈ પણ સંસ્થામાં જવાબદારી સંભાળવા માટે, પદભાર માટે ઉત્તરાધિકારી હોવો જોઈએ એટલે તેઓ ટૂંક સમયમાં પાર્ટીના સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફાર કરશે. જોકે તેમણે આ જાહેરાત કરી ત્યારે અજિત પવાર હાજર નહોતા અને એને કારણે એવી અટકળો થઈ રહી હતી કે અજિત પવાર નારાજ છે.

અધ્યક્ષપદેથી રાજીનામું આપવાના નિર્ણયને પડતો મૂકવાની તેમણે કરેલી જાહેરાતને પાર્ટીના નેતાઓએ અને કાર્યકરોએ વધાવી લીધી હતી અને પેંડા વહેંચી, એકબીજાનું મોઢું મીઠું કરાવી, ઢોલ-નગારાંના તાલે નાચીને એની ઉજવણી કરી હતી. બીજી મેએ શરદ પવારે કરેલી જાહેરાત બાદ કાર્યકરોમાં ઉદાસી છવાઈ ગઈ હતી અને વાય. બી. ચવાણ સેન્ટરની બહાર તેઓ પવાર એ નિર્ણય પાછો ખેંચે એ માટે દેખાવ કરી રહ્યા હતા. કાર્યકરોએ નેતાઓએ તેમની ભાવનાની શરદ પવારે કદર કરી હોવાથી તેમનો દિલથી આભાર માન્યો હતો. જોકે ગુરુવારે જ શરદ પવારે એક સૂચક સ્ટેટમેન્ટ કરીને કહ્યું હતું કે કાર્યકરોની ભાવનાનો અનાદર નહીં કરાય અને તેમણે ઘણા દિવસો સુધી સેન્ટર પર બેસીને પ્રદર્શન નહીં કરવું પડે.

શરદ પવારે લીધેલા આ નિર્ણયથી પાર્ટીની પ્રથમ અને દ્વિતીય હરોળની નેતાગીરીએ ભારે રાહત અનુભવી હતી, કારણ કે આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી વખતે પાર્ટીના વલણ અને શરદ પવારે જ ઊભી કરેલી મહાવિકાસ આઘાડીને એની સીધી અસર થવાની હતી. એમાં પણ એનસીપીના જ કેટલાક નેતાઓનું કહેવું હતું કે શરદ પવારે નિવૃત્ત થવું જોઈએ અને નવા ચહેરાને તક આપવી જોઈએ. અજિત પવાર એમાંના એક હતા અને તેમની ઇમેજને જોતાં તેમનું એ વલણ અસ્થાને પણ નહોતું.

શરદ પવારની જાહેરાત પછી કાર્યકરોએ જલ્લોષ કર્યો હતો

શરદ પવારે સાંજે આ જાહેરાત કરી ત્યારે એ પ્રેસ-કૉન્ફરન્સમાં અજિત પવાર હાજર નહોતા. જોકે સવારે પાર્ટી કમિટી પોતાનો પ્રસ્તાવ લઈને શરદ પવારને મળવા ગઈ ત્યારે તેમની સાથે અજિત પવાર પણ હતા. પ્રેસ-કૉન્ફરન્સમાં અજિત પવાર કેમ નથી એવો સવાલ પત્રકારોએ કર્યો ત્યારે એને બહુ હળવાશથી લઈને શરદ પવારે સામે સવાલ કર્યો હતો કે શું મીડિયાના બધા જ પ્રતિનિધિઓ આવી ગયા છે? એ પછી ધીમેથી કહ્યું હતું કે તેમનો રાજીનામું આપવાનો નિર્ણય ફેરવી તોળવાનું કહેનાર એનસીપીના નેતાઓમાં અજિત પવાર પણ સામેલ હતા. શરદ પવારે કહ્યું કે અહીં આવતાં પહેલાં મેં તેને આ વિશે જણાવ્યું હતું. આમ કહીને તેમણે એવી અફવાઓનો પણ અંત આણી દીધો હતો કે તેમના રાજીનામું પાછું ખેંચવાના એ નિર્ણયથી અજિત પવાર અપસેટ છે અને તે દિલ્હી નીકળી ગયા છે.

શરદ પવારે વધુમાં એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓનું એવું સૂચન હતું કે તેમણે (શરદ પવારે) અધ્યક્ષ તરીકે ચાલુ રહેવું અને તેમની દીકરી સુપ્રિયા સુળેને કાર્યાધ્યક્ષ બનાવવામાં આવે. જોકે પાર્ટીના અન્ય નેતાઓ અને ઈવન સુપ્રિયા સુળે પણ એ માટે તૈયાર નહોતાં.

શરદ પવારે પત્રકારોની એ વાતને પણ ફગાવી દીધી હતી કે કૉન્ગ્રેસ અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના નેતાઓનું એમ કહેવું હતું કે એનસીપીના જ કેટલાક નેતાઓ બીજેપી સાથે જોડાઈ જવા માગતા હતા અને એટલે તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. શરદ પવારે પત્રકારોને સામું પરખાવતાં કહ્યું હતું કે ‘એ વિશે તેમને જ જઈને પૂછો. બાકી પાર્ટીમાં ભાગલા પડે કે નુકસાન થાય એવું કશું નથી.’

mumbai mumbai news maharashtra indian politics dirty politics nationalist congress party sharad pawar ajit pawar dharmendra jore