છૂટક ખાદ્ય તેલ વેચવા માટે વધુ એક વર્ષની છૂટ

02 September, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગરિકોના આરોગ્ય માટે જોખમી ગણાવીને FDAએ ખાદ્ય તેલના છૂટક વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, મુખ્ય પ્રધાને એક વર્ષ માટે બૅન હટાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ખાદ્ય તેલમાં થતી ભેળસેળ રોકવા અને લોકોને ચોખ્ખું ખાવાનું તેલ મળે એ માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ છૂટક તેલના વેચાણ પર બંધી મૂકી દીધી હતી. જોકે ખાદ્ય તેલ મહાસંઘ દ્વારા આ બાબતે દલીલ કરવામાં આવી હતી કે ‘એવા અનેક ગરીબ પરિવારો છે જેઓ રોજ તેમની જરૂરિયાત જેટલું છૂટક તેલ લઈને રાંધે છે. તેમને આ નિર્ણયથી ફટકો પડશે. તેઓ પૅકેજ્ડ તેલ ખરીદી નથી શકતા. જો છૂટક તેલ નહીં મળે તો એ લોકો રાંધશે કઈ રીતે? વળી છૂટક તેલનો વેપાર પણ નાના વેપારીઓ કરતા જ હોય છે. જો છૂટક તેલનો વેપાર બંધ થઈ જશે તો તેમની રોજી-રોટી પર એની માઠી અસર પડશે. એ સિવાય લાકડાની ઘાણીમાં તેલીબિયાં નાખીને તેલ કાઢવાના વ્યવસાયમાં હજારોની સંખ્યામાં મહિલા કામગારો કામ કરે છે તે બધી બેકાર થઈ જશે તો તેમના ઘરનો ચૂલો કઈ રીતે પ્રગટશે?’ 

એથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છૂટક તેલનું વેચાણ કરવાની બંધી એક વર્ષ માટે પોસ્ટપોન કરી દીધી છે. તેમણે કહ્યું છે કે એક વર્ષ સુધી છૂટક તેલ વેચી શકાશે, એ પછી પૅકેજ્ડ તેલ જ લેવાનું રહેશે. 

દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે છૂટક તેલના વેચાણ સંદર્ભે તુકારામ મુંઢેના નિર્ણયને સ્ટે આપવામાં આવ્યો છે અને છૂટક તેલના વેચાણને એક વર્ષની છૂટ આપવામાં આવી છે. જોકે સાથે જ તેમણે ખાદ્ય તેલ મહાસંઘના પદાધિકારીઓને કહ્યું હતું કે ‘FDA દ્વારા ૨૦૧૧માં જ છૂટક તેલના વેચાણ બાબતે કાયદો ઘડી કાઢવામાં આવ્યો હતો, કારણ કે છૂટક તેલમાં ક્વૉલિટી જળવાઈ રહે એ જ મુખ્ય મુદ્દો હતો. જોકે અનેક ગરીબ માણસો છૂટક તેલ ખરીદે છે એટલે કાયદો અને સામાન્ય માણસ એ બન્ને વચ્ચેનો માર્ગ કાઢવો જોઈએ. એથી જ એક વર્ષ સુધી છૂટક તેલ વેચવાની છૂટ આપવામાં આવી છે. એ પછી મુદત વધારીને નહીં મળે. કાયદો પાળવો જ પડશે. આ એક વર્ષ દરમ્યાન છૂટક તેલ વેચનારાઓએ તેમના વ્યવસાયમાં જરૂરી ફેરફાર કરી લેવો.’

FDAના અધિકારીઓ સાથે મળી સમિતિ બનાવીને નવો રસ્તો કઢાશે 

ખાદ્ય તેલ મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરે આ બાબતે થયેલી બેઠક બાદ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે વચલો રસ્તો કાઢવા મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી હતી. બંધી ઉઠાવવા પણ માગણી કરી હતી. એ પ્રમાણે તેમણે એક વર્ષની છૂટ આપી છે. આ સંદર્ભે નવો રસ્તો કાઢવા માટે એક કમિટી બનાવવામાં આવશે. એમાં વેપારી પ્રતિનિધિઓ અને FDAના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. દેશમાં ક્યાંય પણ છૂટક તેલ વેચવા પર બંધી નથી. આપણે ત્યાં એક પ્રયોગ તરીકે આવો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ વ્યવસાય સાથે ઘણીબધી મહિલાઓ સંકળાયેલી છે. બંધીના નિર્ણયને કારણે નાના, મધ્યમ અને મહિલા વેપારીઓને મુશ્કેલી પડી શકે છે. એક વર્ષમાં કમિટી એના પર નિર્ણય લેશે. એમાં વેપારીઓ પણ હશે અને અન્ય સંબંધિત પક્ષો પણ હશે.’

mumbai news mumbai food and drink food and drug administration maharashtra government maharashtra news maharashtra