પરમિટ રૂમ અને બિઅર-બાર ધરાવતી રેસ્ટોરાંઓના માલિકો લડાયક મિજાજમાં

23 March, 2025 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાના વધારાનો વિરોધ, ૧ એપ્રિલથી લાઇસન્સ રિન્યુ ન કરાવવાનો નિર્ધાર

શુક્રવારે મુંબઈમાં હોટેલોનાં ફેડરેશનના પદાધિકારીઓની બેઠક મળી હતી.

મહારાષ્ટ્રમાં પરમિટ રૂમ અને બિઅર-બાર ધરાવતી હોટેલોની લાઇસન્સ-ફીમાં સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે એની સામે ફેડરેશન ઑફ હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન્સ મહારાષ્ટ્ર (FHRAM)એ વાંધો લીધો છે અને એ લડી લેવાના મૂડમાં હોવાનું જણાઈ આવ્યું છે. મહારાષ્ટ્રમાં ૨૦,૦૦૦ ફૉરેન લિકર-૩ (પરમિટ રૂમ અને બિઅર-બાર) લાઇસન્સ ધરાવતી હોટેલો છે. એની લાઇસન્સ-ફીમાં સરકાર દ્વારા આગામી વર્ષ માટે ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે લાઇસન્સ-ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધા બાદ શુક્રવારે FHRAMના મુંબઈ, થાણે, પુણે, પાલઘર સહિતનાં ૧૫ અસોસિએશનના પદ‌ાધિકારીઓએ મુંબઈમાં બેઠક બોલાવી હતી. રાજ્ય સરકારે પહેલાં વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT)માં પાંચ ટકાનો અને હવે લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાનો વધારો કર્યો એને લીધે હોટેલ ઉદ્યોગને મોટું નુકસાન થશે અને સરકારની ટૅક્સની આવકમાં પણ ઘટાડો થશે એ બાબતે આ મીટિંગમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

FHRAMના જનરલ સેક્રેટરી દુર્ગાપ્રસાદ સાલિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે લાઇસન્સ-ફીમાં વધારો કરી રહી છે. ૧૯૯૬થી દર સાત વર્ષે લાઇસન્સ-ફી ડબલ થઈ રહી છે. આને કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થઈ રહ્યું છે. હોટેલોમાં VAT અને લાઇસન્સ-ફીમાં વધારો થવાથી લિકર અને ફૂડના ભાવમાં વધારો થવાથી ગ્રાહકો ઢાબા પર કે વાઇન શૉપમાંથી લિકર ખરીદે છે. ઢાબા અને વાઇન શૉપમાં VAT કે લાઇસન્સ-ફી નથી. સરકાર VAT અને લાઇસન્સ-ફીમાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો અમે ૧ એપ્રિલથી લાઇસન્સ રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો છે.

news maharashtra news mumbai mumbai news income tax department indian economy