16 September, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
રેસ્ટોરાં તથા ફૂડ-સ્ટૉલ્સ અને જૉઇન્ટ્સ બાદ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેના રડાર પર હવે મેડિકલ ક્ષેત્ર આવ્યું છે. હૉસ્પિટલ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં મેડિકલ ઉપકરણો પર અધધધ ભાવવધારો ઝીંકીને દરદીઓને વેચવામાં આવતાં હોવાનું ધ્યાનમાં આવતાં તુકારામ મુંઢેએ આ દિશામાં કામ શરૂ કર્યું છે અને નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)ને પત્ર લખીને મેડિકલનાં ઉપકરણોની કિંમત નક્કી કરતા નિયમોની સમીક્ષા કરવા જણાવ્યું છે.
હૉસ્પિટલો દ્વારા જે ભાવમાં મેડિકલ ડિવાઇસ ખરીદવામાં આવે છે અને જે કિંમતે એને દરદીઓને વેચવામાં આવે છે એમાં ૨૮૪૧ ટકાનો વધારો હોવાનું જણાતાં આ મામલે તુકારામ મુંઢેએ મેડિકલ ડિવાઇસ પ્રાઇસિંગ રૂલને રિવ્યુ કરવા પત્ર લખ્યો છે.
તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૧૧.૦૫ રૂપિયામાં ખરીદવામાં આવતા ઇન્ટ્રાવિનસ (IV) ફ્યુઝન સેટને દરદીઓને ૩૨૫ રૂપિયામાં વેચવામાં આવે છે, જ્યારે ૨૯.૪૧ રૂપિયામાં ખરીદવામાં આવતા કથીટર માટે દરદીઓ પાસેથી ૩૧૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે.
તુકારામ મુંઢેએ કેન્દ્રીય એજન્સીઓને પ્રાઇસિંગ બાબતે નિયમોની સમીક્ષા કરવાની તથા ઇન્ટર-એજન્સી રિવ્યુની પણ માગણી કરી છે.