05 November, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતીઓના ગઢ બોરીવલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અત્યારના વિધાનસભ્ય સુનીલ રાણેનું પત્તું કટ કરીને વિલે પાર્લેમાં રહેતા સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી છે. છેલ્લી બે વિધાનસભાની અને એક લોકસભાની ચૂંટણીમાં બહારના ઉમેદવારો બોરીવલીના માથે થોપી દેવામાં આવ્યા છે એનો બોરીવલી વિસ્તારના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ વિરોધ કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીનું ફૉર્મ ભરતી વખતે ગોપાલ શેટ્ટીએ શક્તિપ્રદર્શન કર્યું હતું અને કોઈ પણ ભોગે પોતે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી એટલે BJPના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત આ બેઠકના ઉમેદવાર સંજય ઉપાધ્યાયે ગોપાલ શેટ્ટીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગોપાલ શેટ્ટી ટસના મસ નહોતા થયા એટલે BJPની દિલ્હીની વરિષ્ઠ ટીમે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને પાર્ટીના નૅશનલ જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને મુંબઈ મોકલ્યા હતા.
ગઈ કાલે સવારે વિનોદ તાવડે ગોપાલ શેટ્ટીના ઘરે ગયા હતા. એ પછી ગોપાલ શેટ્ટીએ બોરીવલી વિધાનસભાની બેઠકમાંથી પોતાની અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ઉમેદવારી પાછી ખેંચી હતી. બાદમાં ગોપાલ શેટ્ટીએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘પક્ષમાં કોઈ મતભેદ નહોતો. એક ખાસ મુદ્દે મારો સંઘર્ષ હતો. મને લાગે છે કે એ મુદ્દો યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. શું થયું અને કેવી રીતે થયું એ કહેવાની જરૂર નથી. જોકે હું કહીશ કે પાર્ટી સર્વોચ્ચ છે, વ્યક્તિ નહીં. મને ગર્વ છે કે પાર્ટીએ મને જવા ન દીધો. હવે હું પહેલાં કરતાં વધુ તાકાતથી પાર્ટી માટે કામ કરીશ.’
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ગોપાલ શેટ્ટી વિશે રાજ્ય BJPના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘BJPના વરિષ્ઠ નેતા ગોપાલ શેટ્ટીએ પક્ષહિતનો નિર્ણય લઈને એક સાચો કાર્યકર કેવો હોય છે એનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. પક્ષહિત કાયમ તેમણે ઉપર રાખ્યું છે અને એની સાથે ક્યારેય તડજોડ નથી કરી. આ નિર્ણય લેવા બદલ હું તેમનો આભારી છું.’