શસ્ત્ર બાહેર કાઢા, ક્રા​ન્તિ કરા

13 October, 2024 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે ગાફેલ રહો છો, તમારા મતનો તમે યોગ્ય ઉપયોગ નથી કરતા એવા ટોણા મારીને રાજ ઠાકરેએ મતદારોને હાકલ કરી...

રાજ ઠાકરે

દશેરા નિમિત્તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે સવારે પૉડકાસ્ટના માધ્યમથી જનતા સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી બાબતે મહત્ત્વનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ ચૂંટણી મહત્ત્વની છે આથી એમાં તમે ગાફેલ નહીં રહેતા. તમે સાવધ નથી રહેતા એટલે રાજકીય પક્ષ એનો ફાયદો લઈને પોતપોતાના ખેલ કરી જાય છે. ચૂંટણી બાદનાં પાંચ વર્ષ તમને પશ્ચાત્તાપ સિવાય કોઈ પર્યાય નથી રહેતો. તમને આ રાજકીય પક્ષો હલકામાં લે છે. આથી તમને હલકામાં લેનારાઓને, તમારા મતને ધ્યાનમાં ન લેનારાઓને પાઠ શીખવવાનો છે. શસ્ત્ર બાહેર કાઢા, ક્રા​ન્તિ કરા, વચપા કાઢા. રાજ્યનાં તરુણ, તરુણી, ખેડૂત સહિત દરેક વ્યક્તિએ ચૂંટણીમાં સાવધ રહેવું જોઈએ. વચપા કાઢાનો અર્થ છે ચૂંટણીમાં મતદાન કરતાં પહેલાં અસમંજસમાં રહેવાને બદલે એક નિર્ણય લો.

રાજ ઠાકરેના ભાષણના મહત્ત્વના મુદ્દા

મહારાષ્ટ્રમાં સોનું અનેક વર્ષોથી લૂંટવામાં આવી રહ્યું છે. આપણે માત્ર શમી વૃક્ષનાં પાન એકબીજાને આપીને દશેરાની શુભેચ્છા આપીએ છીએ. આપણા હાથમાં આ પાન સિવાય કંઈ રહ્યું નથી. બાકીનું બધા લૂંટીને લઈ જાય છે, પણ આપણી પાસે આ બાબતમાં ધ્યાન આપવા માટે સમય નથી. એની પાછળનું કારણ છે આપણે પોતાનામાં જ મશગૂલ છીએ. જાત-પાતના રાજકારણમાં આપણે અટવાઈ ગયા છીએ.

મહારાષ્ટ્રમાં પ્રગતિ થઈ હોવાનું કહેવામાં આવે છે, પણ પુલ બાંધવાથી વિકાસ નથી થતો. વિકાસ અક્કલથી થવો જોઈએ. દુનિયા આજે વિકાસના પથ પર છે તો આપણે હજી પરીક્ષણ કરી રહ્યા છીએ. આ બાબતનો ગુસ્સો તમને નથી આવતો? ફરી-ફરીને તમે લૂંટનારાઓને ચૂંટશો?

તમે ગાફેલ રહ્યા એમાં મનમેળ વિનાની યુતિ અને આઘાડી બની. આમાંના કેટલાક લોકો આજે દશેરાની સભામાં બોલશે. એકબીજાને નિશાન બનાવશે, પણ એમાં તમે ક્યાંય નહીં હો.

 મત એ તમારું શસ્ત્ર છે, પણ ચૂંટણી સમયે છેલ્લી ઘડીએ એ તમે મ્યાનમાં મૂકી દો છો. આ શસ્ત્રનો તમે યોગ્ય ઉપયોગ નથી કરતા. આગામી ચૂંટણીમાં તમારી પાસે તક છે. અત્યાર સુધી તમે બધાને તક આપી છે, આ વખતે અમને એક તક આપો. શા માટે અમને તક આપવી જોઈએ એ વિશે આવતી કાલની (સોમવારની) સભામાં વિસ્તારથી કહીશ.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena political news maharashtra news maharashtra maharashtra assembly election 2024