21 December, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર, પીયૂષ ગોયલ
કેન્દ્ર સરકારે કાંદાની એક્સપોર્ટ પર ૨૦ ટકા ડ્યુટી લગાડી છે એ રદ કરવા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારના વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.
અજિત પવારે તેમના પત્રમાં લખ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં ખાસ કરીને નાશિક જિલ્લામાં કાંદાનો પાક લેતા ખેડૂતોની સંખ્યા બહુ છે. આ ખેડૂતો વિદેશમાં પણ કાંદા એક્સપોર્ટ કરે છે. હાલ ઉનાળુ પાકના જે કાંદા છે એ ખલાસ થઈ ગયા છે અને હવે મોટા પ્રમાણમાં માર્કેટમાં લાલ કાંદાની આવક થઈ રહી છે. માવઠા સહિતની અન્ય મુસીબતોનો સામનો કરીને ખેડૂતોએ કાંદાનો પાક લીધો હતો અને એમાં તેમને નુકસાન ગયું છે. એથી હવે ખર્ચ કાઢવા જે બચી ગયેલા કાંદા છે એનો સારો ભાવ મળે એ જરૂરી છે. હાલ લાલ કાંદાના એક ક્વિન્ટલના માર્કેટમાં ૨૪૦૦ રૂપિયા મળે છે જે ઓછા છે. વળી આ લાલ કાંદા લાંબો સમય ટકતા નથી. એટલે ખેડૂતોને એક્સપોર્ટ કરવામાં રાહત મળે એ માટે કાંદા પર લેવામાં આવતી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી રદ કરવામાં આવે એ જરૂરી છે.’
અજિત પવારના આ પત્રની નોંધ લઈને કેન્દ્ર સરકાર એક્સપોર્ટ ડ્યુટી રદ કરશે એવી આશા ખેડૂતો રાખે છે.