24 December, 2022 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના ગૃહવિભાગે ૨૪, ૨૫ અને ૩૧ ડિસેમ્બરે રાજ્યભરની દારૂની દુકાનો રાતના એક વાગ્યા સુધી તથા બાર ઍન્ડ રેસ્ટોરાં સવારના પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાનું પરિપત્રક ગઈ કાલે જારી કર્યું હતું. જોકે કેન્દ્ર સરકારે કોરોનાના કેસ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોને સાવધાની રાખવાની ગાઇડલાઇન્સ બનાવવાનો નિર્દેશ ગઈ કાલે જ આપ્યો હતો.
રાજ્ય સરકારે ગઈ કાલે નાતાલ અને નવા વર્ષની ઉજવણી લોકો મોડી રાત સુધી કરી શકે એ માટે દારૂની દુકાનો, હોટેલ ઍન્ડ બાર અને ક્લબોના સમય બાબતનું પરિપત્રક બહાર પાડ્યું હતું, જેમાં દારૂની દુકાનો રાતના એક વાગ્યા સુધી અને બાર તેમ જ ક્લબ સવારના પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે એમ લખવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર કોરોના સંબંધિત કોઈ પ્રતિબંધ નહીં મૂકે તો લોકો વહેલી સવાર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી હર્ષોઉલ્લાસથી કરી શકશે અને જો નિયંત્રણો લાદવામાં આવશે તો ફરી એક વખત દારૂની દુકાનો, બાર અને ક્લબના માલિક-સંચાલકોએ કરેલી તૈયારી માથા પર પડી શકે છે.