13 February, 2025 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ મુંબઈના લોઅર પરેલમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી જ્યાં સુધી એ અપગ્રેડ ન થાય ત્યાં સુધી નવાં બિલ્ડિંગોને પરવાનગી ન આપવી જોઈએ એવી માગણી લોઅર પરેલમાં જ આવેલી ફિનિક્સ ટાવર ‘બી’ વિંગ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીએ કરી છે. એણે તો પોતાની આ માગણી પૂરી કરાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસને લીગલ નોટિસ પણ મોકલાવી છે. આ મહિનાની શરૂઆતમાં મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ‘ડ્રેનેજ, સિવરેજ અને પાણી સપ્લાય કરવાની જે સિસ્ટમ છે એના પર બેફામ ચાલી રહેલા કન્સ્ટ્રક્શનને લીધે જબરદસ્ત પ્રેશર આવી ગયું છે. આ સિવાય નવા કન્સ્ટ્રક્શનને લીધે હ્યુમન અને વેહિક્યુલર ટ્રૅફિકમાં પણ વધારો થવાથી અત્યારે જે માળખાકીય સુવિધા છે એ પૂરતી નહીં રહે. અત્યારે પણ ભારે ટ્રૅફિકને લીધે અમારા રહેવાસીઓને સોસાયટીમાં આવવા કે પછી ત્યાંથી બહાર જવામાં ૨૦થી ૩૦ મિનિટનો સમય લાગે છે. મેડિકલ ઇમર્જન્સી કે આગ જેવી ઘટનાઓમાં ઍમ્બ્યુલન્સ કે ફાયર-બ્રિગેડની ગાડીઓ પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી. અમે આની ઘણી વાર ફરિયાદ કરી છે, પણ અત્યાર સુધી એમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો.’