15 December, 2024 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિલાના હાથમાંથી બંગડી કાઢતો હેલ્મેટધારી માણસ, ફાતિમા અન્સારી
કુર્લા-વેસ્ટ માર્કેટ વિસ્તારમાં સોમવારે રાતે થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાં ૬૩ વર્ષનાં ફાતિમા અન્સારીના મૃતદેહ પરથી બંગડી કાઢી જનારનો ચાર દિવસથી પત્તો નથી લાગી રહ્યો એટલે મહિલાના પુત્રોએ ચોરને બંગડીઓ પાછી આપવાની અપીલ કરતાં કહ્યું છે કે ‘એ માત્ર સોનું નથી, અમારી અમ્મીની છેલ્લી નિશાની છે.’ આજે અમારી અમ્મી અમારી વચ્ચે નથી પણ તેની આખરી નિશાની અમે બે ભાઈ આશીર્વાદ તરીકે અમારી પાસે રાખવા માગીએ છીએ એમ જણાવતાં ફાતિમાના પુત્ર અબ્બાસ અન્સારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે થયેલા અકસ્માતમાં અમે ઘરની મોભી એવી મારી અમ્મીને ગુમાવી છે. અકસ્માતની ઘટના પછી મારો પરિવાર હજી પણ દુઃખની લાગણીમાંથી બહાર નથી આવી શક્યો ત્યારે હું અને મારો નાનો ભાઈ રોજ પોલીસ સાથે જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યાં જઈને અમ્મીની બંગડીઓ માટે પૂછપરછ કરી રહ્યા છીએ. એ માત્ર સોનું નહીં, પણ મારી અમ્મીની એકમાત્ર નિશાની છે. જે કોઈ વ્યક્તિ એ બંગડી લઈ ગયું છે એના માટે મારે એટલું જ કહેવું છે કે ભૂલ દરેકથી થાય છે. અમે કોઈને કંઈ જ નહીં કહીએ. બસ, મારી અમ્મીની બંગડીઓ અમને આપી દો, એ અમારા માટે ખૂબ જ કીમતી છે.’
હેલ્મેટવાળા ચોરને પકડવા માટે અમારી બે સ્પેશ્યલ ટીમ માત્ર એ જ કેસ પર કામ કરી રહી છે એમ જણાવતાં કુર્લા વિભાગના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) સંભાજી મુરકુટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખૂબ જ દુઃખની વાત છે કે ડેડ-બૉડી પરથી પણ કોઈએ આવી રીતે દાગીના કાઢી લીધા. એ દાગીના સાથે તેના પરિવારની પણ ભાવનાઓ જોડાયેલી છે એટલે અમે હેલ્મેટધારી ચોરની શોધ હાથ ધરી છે જેની ઓળખ કરવા માટે અમે નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યાં છીએ.’