midday

અબ તેરા ક્યા હોગા કામરા? કુણાલ કામરાનો તોર હજી બરકરાર

26 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે ધ હૅબિટૅટ સ્ટુડિયોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું
ખારની ધી યુનિકૉન્ટિનેન્ટલ હોટેલમાં આવેલા ધ હૅબિટૅટ સ્ટુડિયોમાં જોરાદર તોડફોડ કરવામાં આવી હતી.  તસવીર : અનરાગ અહિરે

ખારની ધી યુનિકૉન્ટિનેન્ટલ હોટેલમાં આવેલા ધ હૅબિટૅટ સ્ટુડિયોમાં જોરાદર તોડફોડ કરવામાં આવી હતી. તસવીર : અનરાગ અહિરે

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ દિલ તો પાગલ હૈના ગીતની પૅરોડી બનાવીને એકનાથ શિંદેને ગદ્દાર કહ્યા એને લીધે અત્યંત ગુસ્સે ભરાયેલા શિંદેસેનાના કાર્યકરોએ ખારના સ્ટુડિયોમાં તોડફોડ કરીઃ આખો મામલો વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ ગાજ્યો :પોલીસે કૉમેડિયન સામે બે FIR નોંધ્યા : શિવસૈનિકોએ તેને ક્યાંય બહાર ન નીકળવા દેવાની ધમકી આપી, મોઢું કાળું કરવા એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના સૉન્ગ ‘ભોલી સી સૂરત...’ની પૅરોડી બનાવીને એમાં શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ગદ્દાર ગણાવ્યા હોવાનો મામલો રવિવારે મોડી સાંજે સામે આવ્યા બાદ શિવસૈનિકોએ ખારની ધ યુનિકૉન્ટિનેન્ટલ હોટેલમાં આવેલા ધ હૅબિટૅટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આ સ્ટુડિયોમાં કુણાલ કામરાના શોનું શૂટિંગ થયું હતું. પોલીસે રાહુલ કનાલ સહિત ૧૨ શિવસૈનિકોને તાબામાં લઈને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને જામીન મળ્યા હતા. વિધાનભવનનાં બન્ને ગૃહમાં ગઈ કાલે આ મામલો ગાજ્યો હતો.

મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમે વિધાન પરિષદમાં કહ્યું હતું કે ‘કુણાલ કામરાએ નાયબ મુખ્ય પ્રધાનની મજાક ઉડાવી છે એની પાછળ કોઈ કાવતરું તો નથીને? એ ચકાસવા માટે કુણાલ કામરાના કૉલ ડેટા રેકૉર્ડ (CDR) અને તેના અકાઉન્ટમાં કોણે-કોણે રૂપિયા ડિપોઝિટ કર્યા છે એ જાણવા તેની બૅન્કનાં સ્ટેટમેન્ટ ચકાસવામાં આવશે.’

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે ધ હૅબિટૅટ સ્ટુડિયોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. કુણાલ કામરા સામે પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. કુણાલ કામરા અત્યારે મુંબઈમાં નથી. જોકે તેણે પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી બતાવી છે, પણ કોર્ટ કહેશે તો જ આ મામલે માફી માગશે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે.

પોલીસના જણાવ્યા મુજબ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવતું કટાક્ષગીત રવિવારે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ ખારના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી.

કૉમેડિયન કુણાલ કામરા સામે અંધેરીના એમઆઇડીસી અને ખાર પોલીસ-સ્ટેશનમાં બે જુદા-જુદા FIR નોંધવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ કુણાલ કામરાનું નિવેદન નોંધવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો મુજબ કુણાલે પોલીસને કહ્યું છે કે તે પોલીસને પૂરતો સહયોગ કરશે, પણ પોતે કોર્ટ સિવાય બીજે ક્યાંય માફી નહીં માગે.

શિવસેના આક્રમક

કુણાલ કામરાએ એકનાથ શિંદેની મજાક ઉડાવતાં શિવસૈનિકોએ આક્રમક થઈને ખારમાં આવેલા સ્ટુડિયોમાં તોડફોડ કરવાની સાથે ધમકી આપી હતી કે કુણાલ કામરા ઘરની બહાર નહીં નીકળી શકે અને તેને ‍મુંબઈમાં ફરવા નહીં દેવાય. આ ઉપરાંત તેનું મોઢું કાળું કરનારાને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત શિવસેનાના નેતાઓએ ગઈ કાલે કરી હતી.

અપમાન સહન નહીં : ફડણવીસ

આ કેસ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કૉમેડી કરવાનો અધિકાર બધાને છે, પણ વાણી સ્વાતંયના નામે કંઈ પણ બોલવાનો અધિકાર નથી. આ વાત કુણાલ કામરા જાણતો હોવો જોઈએ. ૨૦૨૪માં રાજ્યની જનતાએ ગદ્દાર કોણ છે એ બતાવી દીધું હતું. બાળાસાહેબ ઠાકરેનો વારસો કોને મળ્યો છે એ જનતાએ જણાવી દીધું છે. કોઈને ઉતારી પાડતી એકદમ હલકી કૉમેડી કરીને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાનનો અનાદર કરવાનો અધિકાર કોઈને નથી. આવી કૉમેડી જરાય યોગ્ય નથી. આવું અપમાન કોઈ કરશે તો એ સહન નહીં કરીએ. કુણાલ કામરાએ માફી માગવી જોઈએ. તે જે બંધારણનું પુસ્તક વિડિયોમાં બતાવે છે એ તેણે વાંચીને એમાંથી માહિતી મેળવવી જોઈએ કે બંધારણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વાણી સ્વાતંત્રતામાં વાણીવિલાસ ન કરી શકાય. બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરી ન શકાય. આ પ્રકારની મજાક-મશ્કરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

કંઈ ખોટું નથી કહ્યું : ઉદ્ધવ ઠાકરે

વિવાદ વિશે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વિધાનભવન પરિસરમાં પત્રકારોને કહ્યું હતું કે ‘કુણાલે કંઈ ખોટું નથી કહ્યું. મારું તેને સમર્થન છે. ગદ્દારને ગદ્દાર કહેવામાં તકલીફ શું કામ થઈ રહી છે. જનતાનો મત તેણે માંડ્યો છે. ગદ્દારો છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનારા રાહુલ સોલાપુરકર અને પ્રશાંત કોરટકર સામે કંઈ નથી કરતા.’

કોઈ કાયદાથી ઉપર નથી : અજિત

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘રાજ્યના પૉપ્યુલર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને અત્યારના નાયબ મુખ્ય પ્રધાનને કૉમેડીને નામે ગદ્દાર કહો એ કૉમેડી નહીં વલ્ગારિટી છે. આવું જરાય ચલાવી નહીં લેવાય. કાયદો, બંધારણ અને નિયમોથી કોઈ ઉપર નથી.’

દરેક વખતે અમને ટાર્ગેટ બનાવવામાં આવે છે ઃ સ્ટુડિયોના માલિક

‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં ખારનો જે હૅબિટૅટ સ્ટુડિયો સંકળાયેલો હતો એ જ સ્ટુડિયો હવે કુણાલ કામરાના મામલામાં ફરી ન્યુઝમાં છે. શિવસૈનિકોએ આ સ્ટુડિયોની ગઈ કાલે તોડફોડ કર્યા બાદ BMCએ સ્ટુડિયોનો ગેરકાયદે ભાગ તોડી પાડ્યો હતો. સ્ટુડિયોના માલિકે ગઈ કાલે આ વિશે એક નિવેદન સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે ‘તાજેતરમાં અમને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવવાથી અમે સ્તબ્ધ અને ચિંતિત થવાની સાથે તૂટી ગયા છીએ. કલાકારો તેમના વિચાર અને ક્રીએટિવિટી માટે જવાબદાર છે. સ્ટુડિયો કલાકારો સાથે કોઈ પણ રીતે સંકળાયેલો ન હોવા છતાં અમે જાણે કલાકારના વિચાર સાથે સંમત છીએ એમ માનીને અમને વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી અમે અમારી સંપત્તિને જોખમમાં મૂક્યા વિના સ્વતંત્ર અભિવ્યક્તિ માટે મંચ પ્રદાન કરવાનો સારો ઉપાય ન શોધી લઈએ ત્યાં સુધી સ્ટુડિયો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.’

નરેન્દ્ર મોદીની પણ મજાક ઉડાવેલી

શિવસેનાપ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મશ્કરી કરનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ કોરોનાના સમયમાં નરેન્દ્ર મોદીએ કોરોના ભગાવવા માટે થાળી-વાટકા વગાડવાનું કહ્યું હતું એની પણ મજાક ઉડાવી છે. કુણાલ કામરાએ નેતાઓની મશ્કરી કરતાં છ ગીત બનાવ્યાં છે જે ગઈ કાલથી ફરી વાઇરલ થયાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો ઉપયોગ કરીને વિરોધીઓને ડરાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ વિરોધ પક્ષો કરી રહ્યા છે ત્યારે આ સ્ટૅન્ડ-અપ કૉમેડિયને આના પર એક સૉન્ગ બનાવીને કેન્દ્ર સરકારની મજાક ઉડાવી છે. કુણાલે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ તેમની મજાક કરવા માટે એક ગીત બનાવ્યું હતું. વડા પ્રધાનને તાનાશાહ ચીતરતું સૉન્ગ પણ કુણાલ કામરાએ તૈયાર કર્યું હતું.

કોણ છે કુણાલ કામરા?

૩૭ વર્ષના જાણીતા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાનો જન્મ મુંબઈમાં થયો છે. મુંબઈની જય હિન્દ કૉલેજમાંથી કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કરતી વખતે તેણે પ્રસૂન પાંડેના ઍડ ફિલ્મ પ્રોડક્શન હાઉસ કોરકોઇસ ફિલ્મ્સમાં પ્રોડક્શન અસિસ્ટન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી અને આ કંપનીમાં ૧૧ વર્ષ જૉબ કરી હતી. એ પછી ૨૦૧૩માં તેણે કૅનવસ લાઇફ ક્લબમાં સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. કુણાલના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને સોશ્યલ મીડિયા પર  એક મિલ્યન ફૉલોઅર્સ છે. એક કૉમેડી શો માટે કુણાલ ૧૨થી ૧૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે. સ્ટૅન્ડ-અપ કૉમેડી શો અને યુટ્યુબ ચૅનલના માધ્યમથી થયેલી કમાણીથી કુણાલની નેટવર્થ ૬ કરોડ રૂપિયા છે. ગયા વર્ષે ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સાથે કુણાલ કામરાની ચર્ચા ખૂબ જાગેલી. આ ચર્ચા બાદ કુણાલ કામરા પહેલી વખત વિવાદમાં સપડાયો હતો. 

mumbai news mumbai kunal kamra shiv sena uddhav thackeray eknath shinde ajit pawar political news narendra modi brihanmumbai municipal corporation