10 December, 2020 11:27 AM IST | Mumbai | Chetna Sadadekar
હાલમાં જુહુ તારા રસ્તાની એક બાજુ જ ટ્રાફિક માટે ખુલ્લી છે જે ઉત્તર અને દક્ષિણ તરફનાં વાહનો માટે ઉપલબ્ધ છે
કોવિડ-19ને કારણે ખોરંભે ચઢેલું બે બ્રિજનું બાંધકામ છેવટે ફરી શરૂ કરાયું છે. બીએમસીએ આ વાતનું સમર્થન કરતાં કહ્યું હતું કે ‘ગયા વર્ષે તોડી પડાયા બાદ જુહુ તારા રોડ બ્રિજનું બાંધકામ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને જાન્યુઆરી ૨૦૨૧ના અંત સુધીમાં એ ટ્રાફિક માટે ખુલ્લો મુકાય એવી આશા છે. પાલિકાએ જણાવ્યું હતું કે ઓશિવરા નદીથી જોગેશ્વરી એસવી રોડ પરથી પસાર થતા આ રોડના બાંધકામ માટે ૧૮ કરોડ રૂપિચાનો ખર્ચ અંદાજાયો હતો.
૧૪ માર્ચ ૨૦૧૯ના રોજ સીએસએમટી બ્રિજ તૂટી પડ્યો હતો, જેના પગલે શહેરના તમામ બ્રિજનું ઑડિટ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જુહુ તારા રોડ બ્રિજ સહિત કુલ સાત બ્રિજનું ડિઝાઇન બિલ્ટ ટ્રાન્સફરના ધોરણે પુનઃબાંધકામ હાથ ધરાયું હતું. સામાન્ય રીતે બીએમસી એક બ્રિજના બાંધકામ માટે ૧૮ મહિનાનો સમય આપે છે, પરંતુ આ કાર્ય માટે ૬ મહિનાનો સમય આપ્યો હતો તેમ જ નિર્દિષ્ટ સમયમાં બ્રિજનું બાંધકામ પૂર્ણ ન કરાયું તો દંડ કરવાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જોકે બીએમસીનાં સૂત્રોએ જણાવ્યાનુસાર લૉકડાઉનને કારણે બ્રિજનું બાંધકામ કાર્ય ખોરંભે ચઢ્યું હોવાથી કૉન્ટ્રૅક્ટરોને દંડ ચૂકવવો નહીં પડે. વધુમાં ટ્રાફિક પોલીસની પરવાનગી મળવામાં થયેલા વિલંબને કારણે ઘણા બ્રિજનું બાંધકામ ગયા વર્ષના નવેમ્બર-ડિસેમ્બરને સ્થાને ચાલુ વર્ષના પ્રારંભમાં શરૂ થયું હતું. હાલમાં જુહુ તારા રોડ બન્ને તરફનાં વાહનો માટે સિંગલ લેનથી ચાલુ છે.
જોકે ઓશિવરા બ્રિજની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરકાઈ ન હોવાથી એનું કામ શરૂ થવું હજી બાકી છે. હાલમાં આ બ્રિજ માત્ર હળવાં વાહનો માટે ખુલ્લો મુકાયો છે.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે અમે જ્યારે કામની શરૂઆત કરી ત્યારે બન્ને તરફથી માત્ર એક લેનમાં વાહનવ્યવહાર ચાલુ રાખ્યો હતો.
બ્રિજ ડિપાર્ટમેન્ટના પશ્ચિમી પરાંના ડેપ્યુટી ચીફ એન્જિનિયર સતીશ થોસરે બ્રિજના ચાલી રહેલા કામનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે જુહુ તારા બ્રિજના કિસ્સામાં પહેલાં બન્ને તરફથી કામ ચાલુ રખાયું હતું.