07 June, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપલક્ષ્મી જ્વેલર્સમાં ખરીદી કરવા આવેલો આરોપી મોહમ્મદ જમાન હનીફ સૈયદ.
ઘાટકોપર-વેસ્ટની ખોત લેનમાં આવેલી રૂપલક્ષ્મી જ્વેલર્સના ૪૦ વર્ષના માલિક નારાયણલાલ જોશીએ અદ્ભુત હિંમત અને સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની દુકાનમાંથી આશરે દોઢ તોલાનો સોનાનો હાર ચોરીને ભાગતા બાવીસ વર્ષના મોહમ્મદ જમાન હનીફ સૈયદની પાછળ ૮૦૦ મીટર સુધી દોડીને શુક્રવારે બપોરે રંગેહાથ પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાટકોપર પોલીસે આ મામલે આરોપી સામે લૂંટ અને મારઝૂડની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપી માસ્ક પહેરીને ગ્રાહકના સ્વાંગમાં દાગીના ખરીદવાના બહાને આવ્યો હતો અને નારાયણલાલને વાતોમાં વ્યસ્ત કરી, તેમના પર હુમલો કરી સોનાનો હાર ઝૂંટવીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ એક જાણીતી કૉલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે, પરંતુ યોગ્ય નોકરીના અભાવે તે હાલ એક પ્રાઇવેટ કંપનીમાં ઓછા પગારે નોકરી કરતો હતો. ટૂંક સમયમાં વધુ પૈસા કમાવા અને લક્ઝરી લાઇફ જીવવાની ઘેલછામાં તેણે આ પ્રકારે પહેલી વાર ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
શું હતી ઘટના?
નારાયણલાલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે સાડાત્રણ વાગ્યે હું મારી દુકાનમાં એકલો હતો ત્યારે કાળા રંગનો માસ્ક પહેરીને એક યુવક આવ્યો હતો. તેણે સોનાનો નેકલેસ ખરીદવો હોવાનું કહ્યું હતું. એ સમયે મેં તેને માસ્ક ઉતારવા કહ્યું હતું. ત્યારે તેણે ધૂળની ઍલર્જી હોવાનું બહાનું કાઢીને થોડી વાર માસ્ક હટાવીને ફરી પહેરી લીધો હતો. મેં તેને બતાવવા માટે કાઉન્ટર પર સોનાના ૩ નેકલેસ કાઢ્યા હતા. ત્રણે નેકલેસ જોયા બાદ તેણે એક પસંદ કરી એનું બિલ બનાવવાનું કહીને ખિસ્સામાંથી કાર્ડ કાઢવાનો ઢોંગ કર્યો હતો. હું બિલ બનાવી રહ્યો હતો ત્યારે તકનો લાભ ઉઠાવીને તે યુવકે અચાનક મારા કપાળ પર ડાબી બાજુએ જોરદાર મુક્કો માર્યો હતો. મને કંઈ સમજાય એ પહેલાં જ તે કાઉન્ટરની ટ્રેમાંથી ૧૧.૪૭૦ ગ્રામ વજનનો આશરે ૧,૬૬,૩૦૦ રૂપિયાનો સોનાનો નેકલેસ ઝૂંટવીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો. અચાનક થયેલા હુમલાથી હું ક્ષણભર માટે મૂંઝાઈ ગયો હતો, પરંતુ તરત જ હિંમત ભેગી કરીને તેની પાછળ દોડ્યો હતો. ખોત ગલીથી LBS રોડ તરફ ભાગીને મેં તેને પાછળથી ધક્કો મારીને પછાડીને પકડી લીધો હતો. તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ પર ફોન કરતાં પોલીસે આવીને ચોરને પોતાના તાબામાં લીધો હતો.’
શું કહેવું છે પોલીસનું?
જ્વેલરની કામગીરીને બિરદાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ક્રિષ્ના માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્વેલરે અદ્ભુત હિંમત અને સૂઝબૂઝનું પ્રદર્શન કરીને આરોપીને પકડી પાડ્યો છે. આરોપીની ઓળખ અંધેરીના મોહમ્મદ જમાન હનીફ સૈયદ તરીકે થઈ છે. તેની પાસેથી ચોરાયેલો નેકલેસ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ જાણીતી કૉલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું છે અને હાલમાં એક BPO કંપનીમાં નોકરી કરે છે. લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવાના શોખીન આ યુવકને તેના પગારના પૈસા ઓછા પડતા હોવાથી ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવા માટે તેણે આ ગુનાહિત પ્લાન બનાવ્યો હતો. આરોપી પર આ પહેલો જ ગુનો હોવાનું સામે આવ્યું છે.’