20 October, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકી શ્રોફ
બિશ્નોઈ ગૅન્ગ તરફથી મળી રહેલી ધમકીઓ સામે ઝૂકવા માટે શ્રોફ પરિવાર બિલકુલ તૈયાર નથી. રવિવારે સાંજે ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબાર બાદ એવી અટકળો ચાલી રહી હતી કે જૅકી શ્રોફની આગામી ફિલ્મ ‘નાણાવટી વર્સસ નાણાવટી’નું ચાલુ શૂટિંગ રદ કરી દેવામાં આવશે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના બીજા જ દિવસે સોમવારે જૅકી શ્રોફ પવઈસ્થિત સેટ પર સમયસર પહોંચ્યો હતો અને ૧૨ કલાકની આખી શિફ્ટમાં કામ કર્યું હતું.
રવિવારે ફુટબૉલ મૅચ રમીને પરત ફરી રહેલા ટાઇગર શ્રોફની કાર પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું જેમાં ટાઇગરને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે તેનો ડ્રાઇવર અને એક રાહદારી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સુરક્ષા વિશે ગંભીર ચિંતાઓ ઊભી થઈ હતી.
પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘જૅકી પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ સેટ પર હાજર થયો હતો અને ૧૨ કલાક શિફ્ટ કરી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયમાં થોડો ફેરફાર કરાયો હતો જેથી તેણે સવારે વહેલા કામ શરૂને કરી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરું કર્યું હતું. તેણે સ્પષ્ટ કર્યું છે કે તેના કે ટાઇગર માટે કામ અટકવું ન જોઈએ. જૅકી સુરક્ષાની સંપૂર્ણ કાળજી રાખીને પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ નિભાવવા મક્કમ છે.’
સૂત્રએ આગળ ઉમેર્યું કે ‘શૂટિંગ રદ કરવાથી મોટું આર્થિક નુકસાન થાય છે અને સેટ પર કામ કરતા ૩૦૦થી વધુ લોકોનું શેડ્યુલ ખોરવાય છે. હાલમાં શેડ્યુલમાં કોઈ ફેરફાર કરાયો નથી અને કામ અટકાવવાનો કોઈ ઇરાદો નથી.’
આગામી પ્રોજેક્ટ્સ
ટાઇગર શ્રોફ પાસે હાલમાં આશરે પાંચ પ્રોજેક્ટ્સ છે જેમાં રાજ મહેતાની ‘લગ જા ગલે’, રેમો ડિસોઝાની ‘રૅમ્બો’ અને રામ માધવાનીની ‘વજ્ર’ સામેલ છે. બીજી તરફ જૅકી શ્રોફના આગામી પ્રોજેક્ટ્સમાં સલમાન ખાન સાથેની ‘મૉન્સ્ટર’ તેમ જ અહમદ ખાનની ‘બાપ’નો સમાવેશ થાય છે.
- મોહર બાસુ