06 December, 2025 11:46 AM IST | Mumbai | Kajal Rampariya
રાજગૃહ
વાઇટ હાઉસનું નામ સાંભળતાં જ આંખ સામે અમેરિકાના પ્રેસિડન્ટનો મહેલ આવી જાય, પણ આજે જે વાઇટ હાઉસની વાત કરવી છે એ દાદર-ઈસ્ટમાં આવેલું છે અને એ છે રાજગૃહ. ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નિવાસસ્થાન જ નહીં પણ તેમના સંઘર્ષ અને વારસાનું પ્રતીક છે રાજગૃહ. ઇતિહાસના પાને ભવનનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે એનું યોગદાન બહુ કીમતી રહ્યું છે.
આજે છઠ્ઠી ડિસેમ્બર, મહાપરિનિર્વાણ દિવસ. આ દિવસે ભારતીય સંવિધાનના શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડરની પુણ્યતિથિ હોવાથી દેશના ખૂણે-ખૂણેથી લાખો અનુયાયીઓ અને રાજકીય નેતાઓ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપવા દાદરમાં આવેલી ચૈત્યભૂમિ ખાતે ઊમટી પડે છે. આ સ્થળનું મહત્ત્વ એ છે કે અહીં જ મહામાનવના અંતિમ સંસ્કાર થયા હતા, પરંતુ ચૈત્યભૂમિ તરફ પગ માંડતાં પહેલાં હજારો શ્રદ્ધાળુઓ એક મહત્ત્વપૂર્ણ સ્થાનની મુલાકાત લેવાનું ચૂકતા નથી અને એ છે દાદર-ઈસ્ટમાં આવેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નિવાસસ્થાન રાજગૃહ. હવે એ મ્યુઝિયમ છે. દાદરમાં હિન્દુ કૉલોનીમાંથી પસાર થતી વખતે કદાચ તમે પણ સફેદ બંગલો જોયો હશે. બહારથી જોતાં સામાન્ય ઘર જેવો લાગી શકે છે અને કદાચ એટલે જ ઘણા મુંબઈગરાએ ક્યારેય જાણવાની તસ્દી નહીં લીધી હોય કે આ ઇમારત શા માટે ખાસ છે અને ભારતના ઇતિહાસમાં એનું શું સ્થાન છે. આ મહાપરિનિર્વાણના દિવસે જાણીએ કેવી રીતે આ સફેદ રંગનું ભવન માત્ર મુંબઈનું જ નહીં પણ ભારતીય નાગરિકોની પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે અને એને શા માટે વિઝિટ કરવું જોઈએ.
નામનો ઇતિહાસ જાણવા જેવો
ડૉ. બાબાસાહેબ આંબેડકર મુંબઈમાં સૌથી પહેલાં પરેલની ચાલમાં રહેતા હતા. ૧૯૩૦ની આસપાસ તેમણે દાદરના હિન્દુ કૉલોની વિસ્તારમાં જમીન ખરીદી અને ત્રણ વર્ષમાં તેમણે ત્રણ માળનું ઘર બનાવ્યું. આ ઘરનું નામ તેમણે રાજગૃહ આપ્યું હતું. આ નામ પાછળ તેમની ગહન વૈચારિક દિશા છુપાયેલી છે. રાજગૃહ પ્રાચીન ભારતના મગધ સામ્રાજ્યની રાજધાની હતું જે વર્તમાન સમયમાં બિહારમાં આવેલું છે. ત્યાં ગૌતમ બુદ્ધે નિવાસ કરીને ઉપદેશો આપ્યા હતા. બૌદ્ધ પરંપરામાં રાજગૃહને શાંતિ, ધાર્મિક વિચારવિમર્શ અને જ્ઞાનપ્રાપ્તિના પવિત્ર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. બાબાસાહેબ પોતે બૌદ્ધ ધર્મ પ્રત્યે ઊંડો વિશ્વાસ ધરાવતા હતા અને તેમણે આ ધર્મ અપનાવ્યો પણ હોવાથી પોતાના નિવાસસ્થાનનું નામ રાજગૃહ રાખ્યું હતું; જે તેમનાં જ્ઞાન, શાંતિ અને સામાજિક સ્વતંત્રતાના સંદેશનું પ્રતીક બની રહે. આ ઘર દાદરના રહેવાસીઓમાં એના સફેદ રંગને કારણે અને એની ભવ્યતાને કારણે વાઇટ હાઉસ તરીકે પણ જાણીતું થયું. અમેરિકાનું વાઇટ હાઉસ એની વૈશ્વિક સત્તા અને રાજકીય શક્તિનું પ્રતીક છે અને ડૉ. આંબેડકરનું વાઇટ હાઉસ સંઘર્ષ, જ્ઞાન અને સમાજસુધારણાની શક્તિનું પ્રતીક બન્યું. આજની તારીખમાં રાજગૃહના ગ્રાઉન્ડ ફ્લોરને વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, જ્યારે પહેલા માળે તેમનાં પુત્રવધૂ મીરાબાઈ અને ત્રણ પૌત્ર પ્રકાશ આંબેડકર, આણંદરાજ આંબેડકર અને ભીમરાવ આંબેડકર રહે છે.
રાજગૃહની મ્યુઝિયમ ટૂર
તમે રાજગૃહને જેવું હમણાં જોશો એવું જ એ વર્ષોથી છે. એમાં કોઈ ફેરફાર થયા નથી. બાબાસાહેબ આંબેડકર જે સ્થિતિમાં ઘરને છોડી ગયા છે એ જ સ્થિતિમાં એને પ્રિઝર્વ કરવામાં આવ્યું છે. ગેટની અંદર પ્રવેશતાંની સાથે જ તેમની ઑફિસ અને સ્ટડીરૂમ દેખાશે. આ રૂમમાં બેસીને જ તેમણે ‘ઍનિહિલેશન ઑફ કાસ્ટ, હૂ વર ધ શૂદ્રાઝ?’ અને ‘ધ બુદ્ધા ઍન્ડ હિઝ ધમ્મ’ની રચના કરી હતી. આ વિશે મ્યુઝિયમના વ્યવસ્થાપક ઉમેશ કસ્બે માહિતી આપતાં ‘મિડ-ડે’ જણાવે છે, ‘ભારતીય સંવિધાન માટેના મહત્ત્વપૂર્ણ દસ્તાવજો પણ અહીં જ બન્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ સાથે આ જ ખંડમાં મીટિંગ્સ અને ચર્ચાવિચારણાઓ થતી હતી. મીટિંગ-રૂમમાં લાકડાનાં ટેબલ અને ખુરસી છે જ્યાં બેસીને તેમણે ભારતીય બંધારણના મુખ્ય ડ્રાફ્ટની તૈયારી કરી હતી અને દલિતોના અધિકારો માટેની રણનીતિ ઘડી હતી. તેમનાં મોટા ભાગનાં પુસ્તકો હવે ઔરંગાબાદની મિલિન્દ કૉલેજ અને CSMT ખાતે આવેલી સિદ્ધાર્થ કૉલેજમાં રાખવામાં આવ્યાં છે. કેટલાંક પુસ્તકો દિલ્હીની લાઇબ્રેરીમાં મોકલાયાં છે. ડૉ. આંબેડકરે આ ઘરનું નિર્માણ ૧૯૩૦ના દાયકામાં એટલા માટે કર્યું હતું કારણ કે તેમના અગાઉના રહેઠાણમાં તેમની સતત વધતી જતી ૫૦ હજારથી વધુ પુસ્તકોની લાઇબ્રેરી સમાઈ શકતી નહોતી.
તેમણે આ ઘરની રચના જ એવી રીતે કરી હતી કે રહેવા કરતાં પુસ્તકોના સંગ્રહને વધુ મહત્ત્વ મળે. ઘરના મોટા ભાગના ભાગોમાં પુસ્તકો માટે દીવાલ પર શેલ્ફ બનાવવામાં આવ્યાં હતાં. એ સમયે તેમના પુસ્તકાલયને એશિયાની સૌથી મોટી ખાનગી લાઇબ્રેરીમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. સંવિધાન, ઇકૉનૉમિક્સ, સમાજમાં વ્યક્તિના સમાન અધિકારો અને બુદ્ધ ધર્મને લગતાં પુસ્તકો વધુ હતાં. જોકે મ્યુઝિયમમાં હજી પણ તેમનાં પ્રિય અને મહત્ત્વનાં પુસ્તકો, પત્રો અને ક્રાન્તિકારી આંદોલન સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ ત્યાં રાખવામાં આવ્યાં છે જે રાજકીય અને સામાજિક સંઘર્ષની ગાથા કહે છે. બીજા રૂમમાં બાબાસાહેબનાં અસ્થિનો કળશ, શૈયા અને ફોટો મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત આસપાસની દીવાલો પર તેમના જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કાઓને દર્શાવતી તસવીરોનું પ્રદર્શન છે. એમાં વિદેશ-અભ્યાસ, લગ્ન, બંધારણઘડતરની પ્રક્રિયા અને બૌદ્ધ ધર્મ અપનાવવાની ઐતિહાસિક ક્ષણોની તસવીરોનો સમાવેશ થાય છે. રાજગૃહના ગ્રાઉન્ડ ફ્લોરની મુલાકાત એ માત્ર એક મ્યુઝિયમ ટૂર નથી; એ ભારતના એક મહાન શિલ્પીના બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વારસાને નજીકથી સમજવાનો અનુભવ છે. ૬ ડિસેમ્બર નજીક આવે એટલે દેશના ખૂણે-ખૂણેથી સેંકડો લોકો અહીં મુલાકાત લે છે.