મીઠી નદી પર બેથી ત્રણ ફુટ ઓવર બ્રિજ બને તો લોકો ચાલીને કુર્લા અને ચૂનાભઠ્ઠીથી BKC પહોંચી શકે

16 August, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીચે ફક્ત મીઠી નદી પર એક ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવે તો લોકો ત્યાંથી પણ BKC ઝડપથી પહોંચી શકે એમ છે.

BKC પર ક્રોસિંગ સાથે અવરોધિત રસ્તો

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના બિઝનેસ-હબમાં અનેક કંપનીઓની ઑફિસો આવેલી હોવાથી હજારો માણસો રોજ ત્યાં આવ-જા કરે છે. સેન્ટ્રલ લાઇનમાં કુર્લા સ્ટેશન પાસે એને કારણે બહુ જ ટ્રાફિક થાય છે. નાના રોડને કારણે રિક્ષા મેળવવા લોકોએ હેરાન થવું પડે છે અને ટ્રાફિક વધી જાય છે. આ બધામાંથી રાહત મળે એ માટે મીઠી નદી પર જો બેથી ત્રણ ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવે તો લોકો ચાલતા ૧૫થી ૨૦ મિનિટમાં BKC પહોંચી શકે એમ છે એમ મુંબઈના વૉકિંગ પ્રોજેક્ટના એક્સપર્ટ વેદાંત મ્હાત્રેનું કહેવું છે.

કુર્લા સ્ટેશનથી ન્યુ મિલ રોડ પર થઈ બેલગ્રામી રોડ પર આવી એલ.બી.એસ. માર્ગ પહોંચતાં ૧૦ મિનિટ લાગે છે. જો એ સ્પૉટ પર મીઠી નદી પર ફુટ ઓવર ​બ્રિજ બનાવવામાં આવે તો બીજી ૧૦ મિનિટમાં લોકો BKCમાં આવેલી ડાયમન્ડ માર્કેટમાં પહોંચી શકે એમ છે. એ સિવાય ચૂનાભઠ્ઠી ઈસ્ટર્ન હાઇવેથી હાલ જે BKC જતો ફુટ ઓવર બ્રિજ બનાવ્યો છે એ રીતે નીચે ફક્ત મીઠી નદી પર એક ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવે તો લોકો ત્યાંથી પણ BKC ઝડપથી પહોંચી શકે એમ છે. એને કારણે બન્ને સ્ટેશન પાસે વાહનોનો ટ્રાફિક ઓછો થશે અને લોકો આસાનીથી ચાલતાં-ચાલતાં BKC પહોંચી શકશે એમ એક્સપર્ટનું કહેવું છે. 

bandra kurla complex kurla chunabhatti mumbai traffic mithi river mumbai news mumbai