25 December, 2022 08:14 AM IST | Mumbai | Rohit Parikh
શત્રુંજય તીર્થના રક્ષાર્થે પહેલી જાન્યુઆરીએ વિરાટ રેલી કઢાશે
મુંબઈ: ભાવનગરની બાજુમાં આવેલા જૈનોના શત્રુંજય મહાતીર્થમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર તીર્થ પર અને સાધુભગવંતો પર થતા હુમલાઓ તથા ગુરુવારે તીર્થ પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને સમગ્ર દેશભરના તીર્થનું સંચાલન કરી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બૉર્ડ તોડી નાખ્યું હતું. આ બનાવ પહેલાં ૨૦૨૨ની ૨૬ નવેમ્બરે રાતના સમયે આ તીર્થ પર આવેલા રોહિશાળામાં પ્રાચીન ત્રણ ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથનાં પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખસો દ્વારા ખંડિત કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાનો એક મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા પછી અને દેશભરમાં જૈન સમાજો દ્વારા આ ઘટનાના વિરોધમાં મહારૅલીઓ યોજ્યા બાદ જૈનોની ઉગ્રતા જોઈને સરકાર અને પોલીસ ઍક્શનમાં આવી હતી. શુક્રવારે પાલિતાણા રૂરલ પોલીસે જૈન ધર્મની લાગણી દુભાયાની કલમ લગાડીને રોહિશાળા ગામના ગેમાભાઈ ઉર્ફે પિન્ટુ રાધવ ગોહિલની ધરપકડ કરી હતી. આમ છતાં, રાજનગર-અમદાવાદના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશભરના જૈન સમાજોએ આવતા રવિવારે એટલે કે પહેલી જાન્યુઆરીએ સવારે ૯.૦૯ વાગ્યે શ્રી શત્રુંજય મહાતીર્થ રક્ષાર્થે વિરાટ રૅલીનું આયોજન કર્યું છે.
રાજનગર-અમદાવાદના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોહિશાળા તીર્થમાં કૃત્ય કરનારા આરોપી કે જેની પોલીસે ધરપકડ કરી છે, તેણે પોલીસને કહ્યું છે કે રોહિશાળા તીર્થમાં ભગવાન આદિનાથદાદાનાં પગલાંની દેરીમાં તે ચોરી કરવાના ઇરાદાથી ગયો હતો. જોકે ત્યાં તેને કોઈ કીમતી ચીજવસ્તુઓ હાથ ન લાગતાં તેણે અકળાઈને ગુસ્સામાં આવીને પથ્થરનાં પગલાંને ટોચા મારી ખંડિત કરી નાખ્યાં હતાં. આ સિવાય જે આરોપીઓએ ગુરુવાર ૧૫ ડિસેમ્બરે તીર્થ પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને સમગ્ર દેશભરના તીર્થનું સંચાલન કરી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બૉર્ડ તોડી નાખ્યું હતું. એ ગુનાને પણ પોલીસ હળવાશથી લઈ રહી છે. આ બન્ને ઘટના અમારે માટે અતિ મહત્ત્વની છે, પણ એને કાયદાકીય રીતે હળવી કરવામાં આવી રહી છે. આ બન્ને ઘટનામાં ગુનેગારો અમારા પવિત્ર સ્થાન પર શું કામ પહોંચ્યા અને તેમના ઇન્ટેન્શન સામે અમને પૂરેપૂરી શંકા છે, કારણ કે આ અગાઉ અનેક વાર આ ગુનેગારોએ અમારા સાધુભગવંતો પર હુમલા કર્યા છે અને અમારા તીર્થની ઘણી બધી જમીનો પર કબજો કરીને અમારા તીર્થને અપવિત્ર કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ તેઓ સતત કરી રહ્યા છે, જેની સામે ગુજરાત સરકાર અને પ્રશાસન ઘણા લાંબા સમયથી આંખ મિચામણાં કરી રહ્યાં છે.’
મહાસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજ અને જૈન સમાજના સાધુભગવંતો ઘણાં વર્ષોથી શત્રુંજય ગિરિરાજ પર્વત પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓને સહન કરી રહ્યા છે. તીર્થસ્થાનનું વાતાવરણ ડહોળાઈ રહ્યું હોવા છતાં અહિંસા અને શાંતિને પ્રથમ સ્થાન આપનાર જૈન સમાજ આજે નહીં ને કાલે પ્રશાસન આ અસામાજિક તત્ત્વો પર કાયદાકીય કાર્યવાહી કરીને તેમની ગેરપ્રવૃત્તિઓને ડામશે એવી આશા રાખી રહ્યો છે, પરંતુ હવે આ તત્ત્વોએ તેમની સીમા પાર કરી નાખીને તીર્થસ્થાનો પર હુમલા શરૂ કર્યાં છે, જે અસહ્ય છે. આથી રાજનગર-અમદાવાદના જૈન સંઘમાં મહાસભા યોજીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હવે દેશભરના જૈન સમાજ જોડાયા છે અને અમે નિર્ણય લીધો છે કે સરકાર જ્યાં સુધી અમે તેમની સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓનું નિરાકરણ લાવશે નહીં ત્યાં સુધી હવે જૈન સમાજ જંપીને બેસશે નહીં.
મહેન્દ્ર શાહે વધુમાં કહ્યું હતું કે ‘૧૮૭૭ના મુંબઈ સરકારના ઠરાવ પ્રમાણે અને નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય કરેલ ગુજરાત હાઈ કોર્ટના WP PIL 180/2017ના ૨૦૨૧ની ૧૯ ઑગસ્ટના ચુકાદામાં સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે પવિત્ર શત્રુંજય ગિરિરાજ જૈનોનું સૌથી પવિત્ર તીર્થસ્થાન હોવાથી તળેટીથી શિખર સુધી ગિરિરાજ કે ગિરિરાજની પવિત્રતાને જોખમ થાય તેમ જ જૈનોનું મન દુખાય એવી જૈન ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ કોઈના પણ વડે થઈ ન શકે તથા રાજ્ય સરકાર તેમ જ પોલીસ ખાતાની એ જવાબદારી છે કે આવી દરેક પ્રવૃત્તિઓને અટકાવી અને કાયમ માટે દૂર કરે. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટના અન્ય ચુકાદાઓ તેમ જ ગુજરાત સરકારના ગિરિરાજ બાબતે થયેલા જુદા-જુદા આદેશો વગેરેનું પાલન પણ આવશ્યક છે. આ આદેશમાં મહત્ત્વનો આદેશ એ છે કે તમામ જૈન-અજૈન મંદિરો પર નિયંત્રણ અને વહીવટ જૈનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. એ પણ સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે ગઢની અંદર આવેલી મહાદેવની દેરીમાં આવનારનું આચરણ અને શિસ્તના વાજબી નિયમો જૈનો બનાવી શકવાના અધિકારી છે. આ મંદિર માટેના નિર્ણયો જૈનો સાથે પરામર્શ કરીને પછી લેવાના, જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ શકે અને જૈનોની ધર્મ લાગણીઓ ન દુભાય એ માટે સંગઠન તરફથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી પણ સરકાર સુપ્રીમ કોર્ટના આ આદેશ પ્રમાણે શત્રુંજય તીર્થ અને પાલિતાણાનો સંપૂર્ણ કારોબાર આણંદજી કલ્યાણજીને પેઢીને સોંપવાનો આદેશ જારી કરવામાં નિષ્ફળ ગઈ છે.’
મુંબઈ જૈન સંગઠનના સક્રિય કાર્યકર કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌપ્રથમ તો રોહિશાળામાં પ્રાચીન ત્રણ ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથનાં પ્રાચીન ચરણ પાદુકાને ૨૦૨૨ની ૨૬ નવેમ્બરે રાતના સમયે અજાણ્યા શખસો દ્વારા ખંડિત કરવામાં આવ્યાં, આની તપાસ સરકારશ્રી દ્વારા ઉચ્ચ તપાસ એજન્સીને સોંપવામાં આવે અને એના ઊંડાણમાં જઈ સદરહું કોમી વૈમનસ્ય અને વર્ગ વિગ્રહ ફેલાવવાના ઉદેશથી ગુનાહિત કૃત્ય કરનાર, કરાવનાર અને સહાય કરનારાં તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ડુંગરપુર, જીવાપુર અને આદપુર વગેરે ગામોમાં પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ પર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગેરકાયદે ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ વિશે ૨૦૧૭થી અનેક વાર રજૂઆતો અને ફરિયાદો લાગતાવળગતા ખાતા, મિનિસ્ટરો વગેરેને કરવામાં આવી છે, પરંતુ લોભ, લાલચ કે ભયના કારણે કોઈ પણ પ્રકારના ગેરકાયદે ખનનનું કાર્ય કાયમ માટે અટકે એવા કડક પગલાં સરકાર તરફથી આજ સુધી લેવામાં આવ્યાં નથી. મના રાઠોડ, ભરત રાઠોડ, રાજુ ચૌહાણ, નરેન્દ્ર ત્રિવેદી, રાજપાલ સરવૈયા જેવા કેટલાંક મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની ચડવણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય એવા પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યાં છે. શરણાનંદ બાપુ દ્વારા લોકોમાં ભાષણો તથા સોશ્યલ મીડિયા વગેરે દ્વારા જુઠ્ઠી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવીને પોતાનો અંગત સ્વાર્થ સાધવા માગતા આવાં થોડાંક લેભાગુ અસામાજિક તત્ત્વોના કારણે વિશ્વભરના જૈન સંઘોમાં આક્રોશ અને ભયનો માહોલ છે. વિશ્વ સ્તરે ગુજરાતની છબિ બગાડવાનું કાર્ય આવાં મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વો દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. એ માટે ગામેગામ વર્ગવિગ્રહ સર્જાય એવી જુઠ્ઠી રજૂઆતો કરીને જૈનો વિરુદ્ધ ઉશ્કેરવાનું કાર્ય સતત ચલાવવામાં આવે છે. શરણાનંદ બાપુ, મના રાઠોડ અને ભરત રાઠોડ પર સખત કાયદેસરની કાર્યવાહી કરી અને હિન્દુ પ્રજામાં ધર્મો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના કાવતરાના ભાગરૂપે તેઓને તડીપાર કરવામાં આવે.’
આ બાબતમાં સ્પષ્ટતા અને આગલી કાર્યવાહીની જાણકારી મેળવવા ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પાલિતાણાના ડેપ્યુટી કલેક્ટર ગઢવીનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જોકે બન્નેના ફોન બે દિવસથી નોટ-રિચેબલ આવતા હોવાથી વાતચીત થઈ શકી નહોતી.