સૅલોંમાં હેરકટ અને હેરવૉશના ભાવમાં વધારો

03 January, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ ટકા અને ૩૦ ટકાના વધારાની ધ સૅલોં ઍન્ડ બ્યુટી-પાર્લર અસોસિએશને કરી જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

ધ સૅલોં ઍન્ડ બ્યુટી-પાર્લર અસોસિએશને વાળ કાપવા અને શેવિંગ કરવા માટેના દરમાં ૨૦ ટકા તો પ્રીમિયમ સર્વિસ માટેના દરમાં ૩૦ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. આથી મુંબઈગરાઓએ સૅલોંની સેવા માટે હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આ વધારો નવા વર્ષની શરૂઆતથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

મુંબઈમાં અત્યાર સુધી પુરુષો માટેના સૅલોંમાં વાળ કપાવવા માટે સરેરાશ ૧૨૦ રૂપિયા લેવામાં આવતા હતા તો શેવિંગ કરવા માટેનો ચાર્જ ૮૦થી ૧૦૦ રૂપિયા હતો. હવે વાળ કપાવવા અને શેવિંગ કરવા માટેના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે એટલે વાળ કપાવવા માટે ૧૪૦ રૂપિયા તો શેવિંગ કરવા માટે ૧૧૦થી ૧૨૦ રૂપિયા આપવા પડશે.

મહિલાઓના સૅલોંમાં અત્યાર સુધી વાળ કપાવવા માટે ૨૫૦થી ૬૦૦ રૂપિયા લેવામાં આવતા હતા એની સામે ૫૦૦થી ૭૨૦ રૂપિયા ચૂકવવા પડશે. સૅલોંમાં વાળ કાપવાની સાથે વાળ ધોવાની સર્વિસ પણ આપવામાં આવે છે. વાળને શૅમ્પૂ કરવાની સર્વિસ પ્રીમિયમ ગણવામાં આવે છે જેમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આથી શૅમ્પૂની સાથે વાળ કપાવવા માટે મહિલાઓએ ૮૦૦ રૂપિયા ખર્ચ કરવો પડશે. 

mumbai news mumbai maharashtra news maharashtra mumbai suburbs