✕

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે માટુંગામાં થયું ભૂમિપૂજન

13 October, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ ટાવર્સમાં ૩૫૦ ચોરસફુટનાં ૧૦,૪૩૨ ઘર અને ૧૩૭૯ કમર્શિયલ એકમો બનશે : કિન્ડરગાર્ટન, કમ્યુનિટી હૉલ, પોડિયમ ગાર્ડન્સ બનાવવામાં આવશે

ગઈ કાલે માટુંગા રેલવે લૅન્ડ પર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણી (ડાબેથી ત્રીજા)ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન થયું હતું.

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ સોમવારે માટુંગાની બાવીસ એકરની રેલવે-સાઇટ પર ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે એશિયાની સૌથી મોટી અનૌપચારિક વસાહતોમાંની એક અને ૧૦ લાખથી વધુ રહેવાસીઓનું ઘર ગણાતા ધારાવી માટે પુનર્વસન બાંધકામની શરૂઆત થઈ છે.

આ પ્રોજેક્ટ માટે રચાયેલ સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (SPV) અદાણી નવભારત ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (ANDPL) સુનિશ્ચિત કરશે કે પાત્ર રહેવાસીઓને હાલના સ્થળે જ પુનર્વસન યોજના હેઠળ ૩૫૦ ચોરસફુટનાં ઘરો મળે.

પ્રણવ અદાણીએ કહ્યું હતું કે ‘દરેક પરિવાર એવા ઘરનો હકદાર છે જ્યાં તે સુરક્ષિતતા અનુભવે અને ભવિષ્યનું આયોજન કરી શકે. ધારાવીના પરિવારો માટે આ બાબત શું મહત્ત્વ ધરાવે છે એ અમે સમજીએ છીએ. માટુંગા ખાતે અમે ૧૦ ટાવર્સ બનાવી રહ્યા છીએ જેમાં ૧૦,૪૩૨ ઘરો અને ૧૩૭૯ વ્યાવસાયિક તથા ઔદ્યોગિક એકમો હશે. અમે એવા રહેણાક વિસ્તારોનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં પરિવારો વધુ સારું જીવન જીવી શકે અને તેમનાં બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.’

આ ૧૦ ટાવર્સ મહારાષ્ટ્ર સરકાર હેઠળના ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ/સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટીને ૩ તબક્કામાં સોંપવામાં આવશે.

પ્રથમ પાંચ ટાવર માર્ચ ૨૦૨૯ સુધીમાં, ત્યાર પછીના બે ટાવર ઑગસ્ટ ૨૦૨૯ સુધીમાં અને બાકીના ૩ ટાવર ઑગસ્ટ ૨૦૩૦ સુધીમાં સોંપવામાં આવશે.

દરેક ટાવરમાં ૩૭થી ૩૯ માળ, ૧૦થી ૧૨ પૅસેન્જર લિફ્ટ અને બે સમર્પિત ફાયર લિફ્ટ હશે. વ્યાપારી અને ઔદ્યોગિક એકમો માટે વધારાની બે લિફ્ટની વ્યવસ્થા હશે. સુવિધાઓમાં કિન્ડરગાર્ટન, કમ્યુનિટી હૉલ, પોડિયમ ગાર્ડન્સ, બેસવાની જગ્યા, સિટ-આઉટ એરિયા, સોસાયટીની ઑફિસ અને પૂજાનાં સ્થળોનો સમાવેશ થશે.

સામાન્ય માળખાગત સુવિધાઓની જાળવણી માટે આવક ઊભી કરવાના હેતુથી દરેક રીડેવલપમેન્ટ બિલ્ડિંગમાં ૧૦ ટકા વ્યાપારી જગ્યા અનામત રાખવામાં આવશે. બિલ્ડિંગ સોંપ્યા પછીનાં પ્રથમ ૧૦ વર્ષ સુધી ANDPL દ્વારા બિલ્ડિંગો અને સહિયારી માળખાગત સુવિધાઓની જાળવણી કરવામાં આવશે.

mumbai news mumbai matunga dharavi