ગોરેગામમાં વિસર્જન વખતે લાઉડ મ્યુઝિક અને ફટાકડાનો વિરોધ કરનારને માર પડ્યો

19 September, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદીને નાકની સર્જરી કરવાની નોબત આવી, ૪ હુમલાખોરોની ધરપકડ

મારઝૂડ થયા પછી સોશ્યલ મીડિયા પર અદ્વૈતે મૂકેલો વિડિયો ભારે વાઇરલ થયો હતો

ગોરેગામ-ઈસ્ટમાં વિસર્જનના સરઘસ દરમ્યાન જોરથી વાગતા મ્યુઝિક અને ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવનાર એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના નાક પર ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ ફરિયાદ નોંધાતાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વનરાઈ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના મંગળવારે ગોટેવાડી રોડ પર આવેલી પ્રધાન સોસાયટીની બહાર બની હતી. અદ્વૈત મડકઈકરે તેની સોસાયટીની બરાબર બહાર ઢોલ-તાશા વગાડતા અને ફટાકડા ફોડતા એક ગ્રુપ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમનો વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું, જેને કારણે બોલાચાલી થઈ હતી. જે લોકોનો વિડિયો ઉતારવામાં આવી રહ્યો હતો એમાંથી એક જણે અદ્વૈતના ચહેરા પર મુક્કો માર્યો હતો, જ્યારે અન્ય ૩ જણે તેને લાત મારી હતી. અદ્વૈતના નાક પર ગંભીર ઈજા થઈ હતી, જેના માટે સર્જરીની જરૂર પડી હતી. તેની ફરિયાદના આધારે બુધવારે ૪ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.’ 

visarjan ganpati festivals goregaon viral videos mumbai police mumbai mumbai news