02 November, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દાદર-વેસ્ટમાં કીર્તિ કૉલેજ પાસે આવેલી સી શેલ સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષના નિવૃત્ત ડૉક્ટર સીતારામ આલવાના ઘરમાંથી ૯૫ લાખ રૂપિયાનું સોનું ચોરવાના આરોપમાં દાદર પોલીસે તેમના ઘરમાં કામ કરતા વિનીત શુક્લાની ધરપકડ કરી છે. ૨૪ સપ્ટેમ્બરથી ૬ ઑક્ટોબર દરમ્યાન આરોપીએ ૯૫ લાખ રૂપિયાની કિંમતના ૯૦૦ ગ્રામ સોના (૧૦૦ ગ્રામનાં ૬ બિસ્કિટ અને ૫૦ ગ્રામના ૬ કૉઇન)ની ચોરી કરી હતી. ઘરના મંદિરમાં ભગવાનની પૂજામાં મદદ કરવા રાખેલા વિનીતકુમારે એકાંતનો લાભ લઈને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સ્પષ્ટ થતાં દાદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.
દાદર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણ ઘડીગાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉક્ટર સીતારામ આલવા તેમનાં પત્નીના અવસાન બાદ એકલા રહે છે અને તેમની મદદ માટે ઘરમાં ૩ નોકરો રાખેલા છે. વિનીત શુક્લા છેલ્લા એક વર્ષથી મંદિરમાં પૂજા કરવા માટે મદદ કરતો હતો અને તેને જ માત્ર મંદિરમાં એકલા જવાની છૂટ હતી. ફરિયાદી ડૉક્ટર પહેલીથી ચોથી ઑક્ટોબર દરમ્યાન વાડાના ઇસ્કૉન મંદિરમાં ગયા હતા. ૬ ઓક્ટોબરે પાછા ફરીને મંદિરના લાકડાના કબાટના ડ્રૉઅરમાં તપાસ કરતાં સોનાનાં બિસ્કિટ અને કૉઇન ગાયબ જોવા મળ્યાં હતાં. અન્ય નોકરો લાંબા સમયથી પ્રામાણિકપણે કામ કરતા હોવાથી અને વિનીતકુમાર જ મંદિરમાં જતો હોવાથી ડૉક્ટરને તેના પર શંકા ગઈ હતી. શુક્રવારે ફરિયાદ મળતાં જ સઘન તપાસ કરીને આરોપી નોકર વિનીત શુક્લાની અમે ધરપકડ કરી છે. પૂછપરછ દરમ્યાન આરોપીએ આ સોનું કોને-કોને વેચ્યું છે અથવા ક્યાં છુપાવ્યું છે એની માહિતી મેળવીને મોટા ભાગનું સોનું સફળતાપૂર્વક જપ્ત કરી લીધું છે.’