✕

સોનાના ભાવ ઘટી ગયા એટલે દેશના વિદેશી હૂંડિયામણમાં ૪૧,૨૯૨ કરોડ રૂપિયાનો ઘટાડો

28 November, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ નવેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી હૂંડિયામણ ૪૧,૨૯૨ કરોડ રૂપિયા (૪.૪૪ અબજ ડૉલર) ઘટીને ૬૫.૧૮ લાખ કરોડ રૂપિયા (૭૦૦.૯૦ અબજ ડૉલર) રહ્યું હતું.

હૂંડિયામણ ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટવાની સીધી અસર ભારતના વિદેશી હૂંડિયામણ પર પડી છે. ૨૦ નવેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી હૂંડિયામણ ૪૧,૨૯૨ કરોડ રૂપિયા (૪.૪૪ અબજ ડૉલર) ઘટીને ૬૫.૧૮ લાખ કરોડ રૂપિયા (૭૦૦.૯૦ અબજ ડૉલર) રહ્યું હતું. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સોનાના ભંડારના મૂલ્યમાં થયેલો ઘટાડો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ શુક્રવારે ૨૭ નવેમ્બરે જાહેર કરેલા આંકડા મુજબ દેશના સોનાના ભંડારનું મૂલ્ય ૩૮,૧૩૦ કરોડ રૂપિયા (૪.૧૦ અબજ ડૉલર) ઘટીને ૮.૭૯ લાખ કરોડ રૂપિયા(૯૪.૫૨ અબજ ડૉલર) થયું છે. બીજી તરફ વિદેશી ચલણના ભંડારમાં ૨૪૭૩.૮૦ કરોડ રૂપિયા (૨૬૬ મિલ્યન ડૉલર)નો સામાન્ય ઘટાડો થતાં એ ૫૪.૨૪ લાખ કરોડ રૂપિયા (૫૮૩.૧૯ અબજ ડૉલર) રહ્યો છે.

આર્થિક નિષ્ણાતોના મતે ડૉલર સામે રૂપિયાને વધુ તૂટતો અટકાવવા RBIએ બજારમાં ૯,૩૦૦ કરોડ રૂપિયા (૧ અબજ ડૉલર)નું વેચાણ કર્યું હતું. જોકે યુરો અને પાઉન્ડ જેવા અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો થતાં આ ઘટાડાની અસર ઓછી થઈ હતી. ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF) પાસેના ભંડારમાં પણ નજીવો ઘટાડો નોંધાયો હતો. આમ છતાં માર્ચ ૨૦૨૬ની સરખામણીએ દેશનું વિદેશી હૂંડિયામણ હજુ પણ ૯૧,૦૪૭ કરોડ રૂપિયા (૯.૭૯ અબજ ડૉલર) વધુ છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.

mumbai gold silver price reserve bank of india mumbai news news maharashtra news