12 November, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર સર્વોદય હૉસ્પિટલ પાસેની એક જાણીતી રેસ્ટોરાંમાં પોલીસે દરોડો પાડીને દેહવ્યાપારના મોટા રૅકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ઘાટકોપર પોલીસે બોઇસરમાં રહેતી ૪૦ વર્ષની ટીના કંસારાની ધરપકડ કરીને એક ટીનેજર અને બે યુવતીઓને સુધારગૃહમાં મોકલી આપી છે. આરોપી મહિલા સોશ્યલ મીડિયા પર દેહવ્યાપાર માટે ટીનેજરો ઉપલબ્ધ હોવાની
જાહેરાત પોસ્ટ કરતી હતી જેના આધારે પોલીસે આરોપી મહિલાને પડડી પાડવા માટે ટ્રૅપ ગોઠવ્યો હતો અને આ ટ્રૅપમાં આરોપી મહિલા ફસાઈ ગઈ હતી. ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર દેહવ્યાપાર માટે ટીનેજર ઉપલબ્ધ હોવાની જાહેરાત ફરતી હતી. અમે આપેલા નંબર પર સંપર્ક કર્યો તો ઘાટકોપર તથા આસપાસના વિસ્તારમાં ટીનેજર લાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે અમારા અધિકારીઓ આરોપી મહિલા સાથે સતત
સાત-આઠ દિવસ સંપર્કમાં રહ્યા હતા, જ્યાં આરોપી મહિલાએ સગીરા માટે ૩૫ હજાર અને અન્ય યુવતીઓ માટે ૪૫ હજાર રૂપિયાની માગણી કરી વૉટ્સઍપ પર ફોટો મોકલી સોદો કર્યો હતો. આખરે અમારી ટીમે એક બોગસ ગ્રાહક તૈયાર કરીને સોદો નક્કી કર્યા બાદ દલાલ મહિલાને ઘાટકોપરની એક રેસ્ટોરામાં બોલાવી અગાઉથી ગોઠવાયેલી યોજના મુજબ દરોડો પાડીને મુખ્ય દલાલ મહિલાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૮૦,૦૦૦ રૂપિયાનું ડમી નોટોનું બંડલ તથા મોબાઇલ ફોન કબજે કર્યો હતો. આ રૅકેટમાં ૧૭ વર્ષની ટીનેજર સહિત અન્ય બે યુવતીઓ મળી આવી હતી, જેમને સુધારગૃહમાં મોકલી આપીને દલાલ મહિલા વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.’