પરાગ શાહે ભિખારીવેશમાં પોતાને સમોસા અને બિરયાની ખવડાવનારા બે જણને સન્માનિત કર્યા

19 September, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેને શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની હાજરીમાં એકવીસ-એકવીસ હજાર રૂપિયાનું કવર આપવામાં આવ્યું

પોલીસ હૉકી ગ્રાઉન્ડમાં પરાગ શાહ સાથે મોહમ્મદ (વચ્ચે) અને બબલુ

ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહને ભિખારીના વેશમાં વગર પૈસે સમોસા અને બિરયાની ખવડાવનારા બે સામાન્ય સ્ટૉલધારકોને તેમણે દાખવેલી માનવતાની કદરરૂપે શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની હાજરીમાં ૨૧,૦૦૦-૨૧,૦૦૦ રૂપિયાનું કવર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઘાટકોપરમાં ચાતુર્માસ માટે બિરાજમાન શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણાથી પરાગ શાહે ૧૪ સપ્ટેમ્બરે એક દિવસ માટે પોતાનો વૈભવી ઠાઠમાઠ, સુરક્ષા અને ઓળખ છોડીને ઘાટકોપરની સડકો પર ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. ભારે મેકઅપ અને જૂનાં-ફાટેલાં કપડાંમાં હોવાથી મોટા ભાગના લોકો તેમને ઓળખી શક્યા નહોતા. તેમનો ઉદ્દેશ હોદ્દો, સંપત્તિ અને ઓળખ વિના સામાન્ય માણસ સાથે સમાજ કેવું વર્તન કરે છે એનો અનુભવ કરવાનો હતો.

આ બાબતની માહિતી આપતાં પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને આ દિવસે સારા-નરસા બન્ને અનુભવો થયા હતા. જોકે સૌથી હૃદયસ્પર્શી અનુભવ મોહમ્મદ નામના એક સમોસાવાળાએ મને ખાવા માટે પાંચ સમોસા આપ્યા ત્યારે થયો હતો. જોકે મેં તેની પાસેથી ફક્ત એક જ સમોસું લઈને ખાધું હતું. ત્યાર બાદ બબલુ નામના એક બિરયાનીવાળાએ મને અડધા ભાવમાં બિરયાની ખાવા આપી હતી. ત્યાં વાત પૂરી થઈ નહોતી. મેં તેને કહ્યું કે મારે રિક્ષામાં જવું છે એટલે તે‌ણે એક પળ બગાડ્યા વગર મને બિરયાની માટે લીધેલા પચાસ રૂપિયા પણ પાછા આપ્યા હતા. આનાથી આજે પણ માનવતા જીવંત છે એનો મને અનુભવ થયો હતો. આ નાનકડી મદદ કદાચ તેમના માટે સામાન્ય માનવતા હતી, પરંતુ મારા માટે માનવતાનો આ અનુભવ જીવનનો મોટો પાઠ બની ગયો છે.’

આવા માનવતાવાદીઓને જાહેરમાં સન્માનિત કરવા એ મારી પણ ફરજ બને છે એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘એટલે જ મોહમ્મદ અને બબલુને પોલીસ હૉકી ગ્રાઉન્ડમાં બોલાવીને પૂજ્ય ગુરુદેવની હાજરીમાં તેમને ૨૧,૦૦૦-૨૧,૦૦૦ રૂપિયાનું કવર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. માનવતા માટે કરોડોની સંપત્તિ નહીં, માત્ર મોટું દિલ જોઈએ એનું આ બન્ને જ્વલંત ઉદાહરણ છે. આ સમગ્ર પ્રસંગનો સૌથી મોટો સંદેશ રકમનો નહીં પરંતુ માનવતાનો છે. એના પરથી મેં અનુભવ્યું કે જરૂરિયાતમંદ દેખાતી વ્યક્તિને મદદ કરવા માટે સામેની વ્યક્તિની ઓળખ, હોદ્દો કે સંપત્તિ જાણવી જરૂરી નથી.’

viral videos bharatiya janata party ghatkopar jain community paryushan mumbai mumbai news