13 March, 2026 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને એક મોટું ટૅન્કર સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયું છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાન પાસેનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયો છે. એમ છતાં સાઉદી અરેબિયાથી કાચું તેલ લઈને એક મોટું ટૅન્કર સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયું છે.
લાઇબેરિયાના ઝંડાવાળું શેનલૉન્ગ સુએઝમૅક્સ નામનું આ ટૅન્કર લગભગ ૧,૩૫,૩૩૬ ટન કાચું તેલ લઈને સાઉદી અરેબિયાથી રવાના થયું હતું. ઍથેન્સસ્થિત ડાયનૅકૉમ ટૅન્ક્સ મૅનેજમેન્ટ નામની કંપની એ ઑપરેટ કરે છે. આ ટૅન્કર યુદ્ધ શરૂ થયા પછી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચનારું પહેલું સૌથી મોટું તેલનું જહાજ છે. સાઉદી અરેબિયાના રાસ તનુરા પોર્ટ પરથી કાચું તેલ લોડ થઈને ત્રીજી માર્ચે એ રવાના થયું હતું. હોર્મુઝ સ્ટ્રેટ પર લાગેલી પાબંદીઓને કારણે આ જહાજ ત્યાં જ ઘણા સમય સુધી ફસાયેલું રહ્યું હતું. એ પછી આઠમી માર્ચે એનું છેલ્લું સિગ્નલ હોર્મુઝ સ્ટ્રેટ પાસે મળ્યું હતું અને પછી એ ટ્રૅકિંગ સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયું હતું. એ પછી નવમી માર્ચે ફરીથી એ ટ્રેકિંગ સિસ્ટમ પર દેખાવા લાગ્યું હતું અને ૧૧ માર્ચે મુંબઈ પહોંચી ગયું હતું. આ સંકેત બતાવે છે કે જહાજના ક્રૂ-મેમ્બરોએ ખતરનાક વિસ્તારમાંથી પસાર થતી વખતે ઑટોમૅટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ કરી દીધી હતી. સમુદ્રી ભાષામાં એને ગોઇંગ ડાર્ક કહેવાય છે.
સામાન્ય રીતે જહાજ ઇન્ટરનૅશનલ વૉટરમાં હોય ત્યારે ઑટોમૅટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) ચાલુ રાખવામાં આવે છે જેથી એની ઓળખ, લોકેશન, દિશા અને ગતિની જાણકારી આસપાસનાં જહાજોને મળતી રહે છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સામાન્ય પરિસ્થિતિમાં AIS ચાલુ રાખવી ફરજિયાત છે, પરંતુ યુદ્ધ અને સંઘર્ષવાળાં ક્ષેત્રોમાં દુશ્મનની નજરથી બચવા માટે ઘણી વાર આ સિસ્ટમ ઑફ કરી દેવામાં આવે છે જેથી જહાજને ટ્રૅક થવાથી બચાવી શકાય.