30 October, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલે બુધવારે બપોરે થાણેની હોટેલ શિવ સરોવર પર દરોડો પાડીને ૨૧ વર્ષની એક દલાલ યુવતીની ધરપકડ કરી છે તેમ જ બે મહિલાઓને સુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે. આ દરોડા દરમ્યાન મુંબઈ, મીરા રોડ અને આસપાસના વિસ્તારોમાં રહેતી અને અન્ય સ્થળોએ કામ કરતી યુવતીઓ અને મહિલાઓની તસવીરો ગ્રાહકોને મોકલીને ગેરકાયદે દેહવ્યાપારનું રૅકેટ નૅન્સી છારી ચલાવી રહી હતી. પ્રાથમિક માહિતીના આધારે આરોપી યુવતી મહિલાઓને ટૂંક સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ આપીને આ કામ કરાવતી હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રૅકેટનો પર્દાફાશ કરવા માટે અમારી ટીમે ૧૫ દિવસથી પહેલાંથી ટ્રૅપ ગોઠવ્યો હતો. એક બોગસ ગ્રાહકે નૅન્સીનો સંપર્ક કર્યો હતો. તેણે લોનાવલા, ઇગતપુરી, મુંબઈ અને થાણે સહિતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે યુવતીઓ સપ્લાય કરવાની કબૂલાત કરી હતી. નક્કી થયા મુજબ નૅન્સી બે મહિલાને લઈને બુધવારે બપોરે હોટેલ શિવ સરોવર પહોંચી હતી. બોગસ ગ્રાહક દ્વારા સંકેત મળતાં જ અમારી ટીમે કાર્યવાહી કરીને હોટેલમાંથી મહિલા દલાલને રંગેહાથ ઝડપી લીધી હતી અને બન્ને મહિલાઓને સુધારગૃહમાં મોકલી આપી છે. પ્રાથમિક તપાસમાં આ મહિલા દલાલ આર્થિક મુશ્કેલીમાં ફસાયેલી કે નોકરીની શોધમાં રહેતી મહિલાઓને ટૂંક સમયમાં મોટો આર્થિક ફાયદો અપાવવાની લાલચ આપીને આ અનૈતિક ધંધામાં ધકેલતી હતી. હાલ આ રૅકેટ સાથે જોડાયેલા અન્ય સાથીદારોની સંડોવણી તેમ જ અગાઉ કેટલી યુવતીઓને ગ્રાહકો પાસે મોકલવામાં આવી છે એ દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.’
બોરીવલી અને વિરાર દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇનના વિસ્તાર માટે રામ મંદિર સ્ટેશન પાસે અતિક્રમણ કરીને બનાવવામાં આવેલાં ઝૂંપડાંને તોડી પાડવામાં આવ્યાં હતાં. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદ લઈને અહીં આવેલાં ૨૮ અતિક્રમણોને હટાવ્યા બાદ વેસ્ટર્ન રેલવેના પાંચમી અને છઠી લાઇનના વિસ્તારના પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. RPFના ૪૩ સ્ટાફ અને બાવીસ વર્કરોની મદદથી અતિક્રમણો હટાવવામાં આવ્યાં હતાં. પાંચમી અને છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટનું કામ પૂરું થયા બાદ શહેરના રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે અને ઉપનગરીય રેલ નેટવર્ક વધુ મજબૂત બનશે.