01 September, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ઍડ્વાન્સ પ્રિન્ટિંગ મશીનની મદદથી નવી ડેટ પ્રિન્ટ કરાતી હતી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ૨૬ ઑગસ્ટથી ૨૯ ઑગસ્ટ સુધી કાર્યવાહી કરીને ૭૫,૨૧,૨૬૧ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. નવી મુંબઈના તુર્ભેમાં આ કાર્યવાહી બાદ તુર્ભેના TTC ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી સાધના એન્ટરપ્રાઇઝિસનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું એમ એક પ્રકાશનમાં જણાવાયું છે. નવી મુંબઈની પોલીસે ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો સાથે મળીને કરેલી કાર્યવાહી અને ચકાસણી વખતે મૅન્યુફૅક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વગરની, એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી પ્રોડક્ટ્સ પર થિનર (કેમિકલ)ની મદદથી ડેટ ભૂંસીને ઍડ્વાન્સ પ્રિન્ટિંગ મશીનથી નવી ડેટ નાખવામાં આવી રહી હતી. એવો ડેટ વગરનો ૩૦,૬૦૦ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. એમાં લેય્ઝ વેફર, કુરકુરે, મૅગી મસાલા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કુક રસોઈ મસાલા, મેયોનીઝ, થમ્સ અપ અને લિમકાનાં ટિનનો સમાવેશ થતો હતો. આ કુલ ૧૦ એક્સપોર્ટર કંપનીનો માલ હતો.