હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ... બધાના તહેવારો પર બાજનજર

04 September, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુકારામ મુંઢેનો હવે નવતર પ્રયોગ, પબ્લિકની ફૂડ-સેફ્ટી માટે જાહેર કર્યું આખા વર્ષનું કૅલેન્ડર

AI ઇમેજ

મહાપ્રસાદ, ઇફ્તાર, લંગર વગેરે માટે અધિકૃત કેટરર્સને જ રાખવા પડશે અને એની ફૂડ સેફ્ટી ઑફિસરને ૭ દિવસ અગાઉ જાણ કરવી પડશે

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં રાજ્યભરના તમામ મુખ્ય તહેવારો માટે આખા વર્ષનું કાયમી ‘ફૂડ સેફ્ટી કૅલેન્ડર’ જાહેર કર્યું છે. તહેવારો દરમ્યાન દરેક વખતે અલગ-અલગ આદેશો બહાર પાડવાને બદલે અગાઉથી જ આયોજનબદ્ધ રીતે ભેળસેળ રોકવા માટે આ કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે.

આ કૅલેન્ડરમાં ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, રમઝાન ઈદ, બરી ઈદ, ક્રિસમસ, નવું વર્ષ, મકર સંક્રાન્તિ, મહાશિવરાત્રિ, હોળી, ગુઢીપાડવા, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા અને ગુરુ નાનક જયંતી જેવા તમામ નાના-મોટા તહેવારોનો સમાવેશ થાય છે.

તહેવારોનું ત્રણ લેવલમાં વર્ગીકરણ
લેવલ ૧ (રાજ્યસ્તરીય): ગણેશોત્સવ, દિવાળી, નવરાત્રિ, ઈદ, ક્રિસમસ વગેરે માટે ૪ તબક્કાનું ખાસ તપાસમાળખું.
લેવલ ૨ (પ્રાદેશિક): હોળી, મકર સંક્રાન્તિ, જન્માષ્ટમી, દશેરા વગેરે માટે જોખમ આધારિત મૉનિટરિંગ.
લેવલ ૩ (સ્થાનિક): સ્થાનિક મેળા, જુલૂસ અને ગ્રામીણકક્ષાના ઉત્સવો.
૪ તબક્કાની તપાસ-પ્રક્રિયા
૧. તહેવારના પંદરથી ૨૧ દિવસ પહેલાં: સંવેદનશીલ વિસ્તારો અને ફૂડના વેપારીઓની ઓળખ, લૅબોરેટરીનું આયોજન.
૨. ૧૪ દિવસ પહેલાં: ઉત્પાદન એકમો, ગોડાઉન, ટ્રાન્સપોર્ટ અને કાચા માલની ચકાસણી તથા સૅમ્પલિંગ.
૩. તહેવારના દિવસે: મીઠાઈની દુકાનો, માર્કેટ અને ખાદ્યસંસ્થાઓનું પ્રત્યક્ષ સર્વેલન્સ.
૪. તહેવાર પછીના ૩૦ દિવસ: સૅમ્પલ રિપોર્ટના આધારે કાયદાકીય કાર્યવાહી અને જોખમી ખોરાકનો નાશ.
ખાસ ખાદ્યપદાર્થો પર વિશેષ નજર
ઉપવાસનું ફૂડ: મહાશિવરાત્રિ અને નવરાત્રિમાં રાજગરો અને અન્ય ફરાળી લોટનું ચેકિંગ.
ડેરી-પ્રોડક્ટ અને મીઠાઈ: ઈદ, દિવાળી અને ગણેશોત્સવમાં દૂધ, માવો (ખોયા) અને તેલ પર નજર.

મહાપ્રસાદ અને ભંડારા માટેના વિશેષ નિયમો
મહાપ્રસાદ અને ભંડારા, ઇફ્તાર કે લંગર માટે અધિકૃત કેટરર્સ જ રાખવાના રહેશે અને ફૂડ સેફ્ટી ઑફિસરને ૭ દિવસ અગાઉથી જાણ કરવી પડશે.
આ ઉપરાંત તમામ ફૂડ બિઝનેસ ઑપરેટરો માટે લાઇસન્સ અથવા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ દર્શાવવાનું, કારીગરોનાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રાખવાનું અને પચીસથી વધુ કર્મચારીઓ હોય ત્યાં સુપરવાઇઝર રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra food and drug administration festivals ganesh chaturthi navratri tukaram mundhe