કાયદાથી ઉપર કોઈ નથી, અને કોઈ પણ વેપારી હિત પબ્લિકની હેલ્થ કરતાં અગ્રક્રમે ન હોઈ શકે

24 September, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાકારોને કરેલી અપીલનો વિડિયો શૅર કરીને તુકારામ મુંઢેએ ફરી આપી ચેતવણી

તુકારામ મુંઢે

જનતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી પ્રોડક્ટ્સનું સમર્થન કે પ્રમોશન કરવાનું લાઇસન્સ કોઈની પાસે નથી એમ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. મંગળવારે આયોજિત ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકપ્રિય કલાકારોને આરોગ્ય માટે હાનિકારક ઉત્પાદનોની જાહેરાત ન કરવા કરેલી અપીલને તેમણે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સેલિબ્રિટીઓ યુવા પેઢીના માનસ પર ઊંડો પ્રભાવ ધરાવે છે અને સાચા સ્ટારે અંધકાર નહીં પણ પ્રકાશ ફેલાવવો જોઈએ. આ નિવેદનના સપોર્ટમાં તુકારામ મુંઢેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કલાકારોની સામાજિક જવાબદારી વિશે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
તુકારામ મુંઢેએ જણાવ્યું કે ‘ઇન્ફ્લુઅન્સ એ કોઈ કાયદાકીય મુક્તિ નથી. અન્ય નાગરિકોની જેમ કલાકારોએ પણ કાયદાનું સન્માન કરવું પડશે. જનતાની પસંદગી અને આદતોને પ્રભાવિત કરતી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરતી વખતે જવાબદારી સમજવી અનિવાર્ય છે.’ 
તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈ પણ વ્યાપારી હિત પ્રજાના સ્વાસ્થ્ય કરતાં મોટું ન હોઈ શકે. ખોરાક કે ખાણીપીણીની ચીજોની જાહેરાત કરતી વખતે જાહેર આરોગ્યને અવગણી શકાય નહીં અને કાયદાથી ઉપર કોઈ નથી.
તુકારામ મુંઢેએ યાદ અપાવ્યું કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર FDA દ્વારા વિવાદાસ્પદ એન્ડોર્સમેન્ટ્સ સામે અગાઉથી જ નોટિસો ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ૧૧ ઑગસ્ટે FDA દ્વારા શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ પાઠવવામાં આવી હતી. એજન્સીનો આક્ષેપ હતો કે તેઓ જે વિમલ ઇલાયચીની જાહેરાત કરી રહ્યા છે એ વાસ્તવમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત વિમલ પાનમસાલાનું સરોગેટ પ્રમોશન એટલે કે પરોક્ષ જાહેરાત છે. 

ઘાટકોપરના લક્ષ્મી ફરસાણનું લાઇસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)  દ્વારા સ્વચ્છતાના ગંભીર અભાવ અને બેદરકારી બદલ ઘાટકોપરના જાણીતા લક્ષ્મી ફરસાણનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત નવી મુંબઈમાં પણ કાર્યવાહી હાથ ધરીને જ્યોતિ ફૂડ્સમાંથી ૨.૧૮ લાખની કિંમતના હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થો જ્યારે વાઘાણી ટ્રેડિંગમાંથી ૩૬૦૦ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra tukaram mundhe food and drug administration droupadi murmu