ટોલમાફીનો ફટકો અટલ સેતુને પડ્યો

06 December, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા મોટરિસ્ટો શિવડી-ન્હાવા શેવાના બ્રિજ પરથી જવાને બદલે ટોલના પૈસા બચાવવા ફરીને જવા લાગ્યા

અટલ સેતુ

મુંબઈથી નવી મુંબઈ સરળતાથી પહોંચી શકાય એ માટે કરોડો રૂપિયાના ખર્ચે ​શિવડીથી ન્હાવા શેવા વચ્ચે સમુદ્ર પર અટલ સેતુ બાંધવામાં આવ્યો છે. જોકે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે મુંબઈના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર લેવામાં આવતા ટોલમાંથી લાઇટ મોટર વેહિકલ્સને માફી આપતાં એનો ફટકો હવે અટલ સેતુ પર થતા વાહનવ્યવહાર પર પડ્યો છે અને એના પરથી પસાર થઈ રહેલાં વાહનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

ઑક્ટોબર મહિનામાં અટલ સેતુ પરથી ૭,૦૭,૧૦૪ વાહનો પસાર થયાં હતાં, જ્યારે નવેમ્બરમાં એ સંખ્યા ઘટીને ૬,૬૯,૦૯૨ થઈ ગઈ હતી. આમ ૩૮,૦૧૨ની ઘટ પડી હતી. મુંબઈથી નવી મુંબઈ બારથી ૧૫ મિનિટમાં પહોંચી શકાતું હોવાથી ઉલવે, ઉરણ, દ્રોણગિરિ, પનવેલના રહેવાસીઓ મોટા પાયે અટલ સેતુનો ઉપયોગ કરશે એવી ધારણા હતી. જોકે અટલ સેતુ બનાવનાર મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)એ એના પરથી એક તરફ પસાર થવા માટે ૨૫૦ રૂપિયાનો ટોલ રાખ્યો છે. કોંકણ અને સાઉથનાં રાજ્યોમાં જવા માટે પણ અટલ સેતુ મહત્ત્વનો અને સમય તથા ઈંધણની બચત કરતો હોવા છતાં આખા મહિનામાં એના પરથી ૧૦ લાખ વાહનો પણ પસાર થતાં નથી. એમાં હવે મુંબઈનો ટોલ માફ થવાથી એનો ફટકો પણ અટલ સેતુને પડ્યો છે. 

અટલ સેતુની આંકડાબાજી
7,07,104- ઑક્ટોબરમાં પસાર થયેલાં વાહનો
6,69,092- નવેમ્બરમાં પસાર થયેલાં વાહનો

mumbai news mumbai atal setu mumbai traffic police mumbai traffic navi mumbai