બેફામ કૉલેજિયને કાર સામેની લેનમાં ચડાવી દીધી, કાલી-પીલી સાથે અથડાઈ -ડ્રાઇવર અને ગુજરાતી મહિલાના જીવ ગયા

30 March, 2025 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકસ્માતમાં ડ્રાઇવર શંકર અને ટૅક્સીમાં પ્રવાસ કરી રહેલાં પંચાવન વર્ષનાં રેખા જમેરિયા બન્નેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

બેફામ કૉલેજિયને કાર સામેની લેનમાં ચડાવી દીધી, કાલી-પીલી સાથે અથડાઈ

એલ્ફિન્સ્ટન બ્રિજ પર ગઈ કાલે બપોરે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક કારે સામેથી આવી રહેલી કાળી-પીળી ટૅક્સીને અડફેટે લેતાં તેના ડ્રાઇવર શંકર અને પૅસેન્જર રેખા જમેરિયાનાં મોત થયાં હતાં. દાદર પોલીસે ગાડી SUV ચલાવનાર પ્રિયાંશુ અમર વાન્દ્રે સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.

દાદર પોલીસે કહ્યું હતું કે ‘પ્રિયાંશુ બાંદરા તરફ જઈ રહ્યો હતો. ​એલ્ફિન્સ્ટન બ્રિજ પર તેણે ગાડી પરથી કન્ટ્રોલ ગુમાવ્યો અને તેની કાર સામેની લાઇનમાં જઈ ચડી હતી. એ વખતે સામેથી આવી રહેલી કાળી-પીળી ટૅક્સીને જોરથી ટક્કર મારી હતી જેના કારણે ટૅક્સીના ફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર શંકર અને ટૅક્સીમાં પ્રવાસ કરી રહેલાં પંચાવન વર્ષનાં રેખા જમેરિયા બન્નેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.’

પોલીસના જણાવ્યા અનુસાર રેખા જમેરિયા ચિંચપોકલીની ચમેલીવાડીમાં રહેતાં હતાં અને સાત રસ્તા સર્કલ પર ફૂલ વેચવાનો ધંધો કરતાં હતાં. તે દાદર ફૂલ લેવા ગયાં હતાં ત્યાંથી ટૅક્સીમાં પાછી ફરી રહ્યાં હતાં, જ્યારે આરોપી પ્રિયાંશુ માટુંગામાં રહે છે અને ચેમ્બુરની કૉલેજમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણે છે. પોલીસ તપાસમાં તેણે ડ્રા​ઇવિંગ કરતી વખતે દારૂ નહોતો પીધો એવું જણાઈ આવ્યું હતું. તેની સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત કરી અન્યના જીવ લેવા બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ડ્રાઇવર શંકર ઐયા ગોરેગામમાં રહેતો હતો.

elphinstone road road accident mumbai mumbai crime news mumbai police news crime news dadar