પાલઘરના સંસદસભ્ય ઊગરી ગયા ઍરબૅગને લીધે

02 May, 2026 12:10 PM IST  |  Palghar | Gujarati Mid-day Correspondent

ટ્રાફિકથી બચાવવા પોલીસે ડૉ. હેમંત સાવરાની ગાડીને રૉન્ગ સાઇડથી મોકલી, સામેથી પૂરઝડપે આવતી ડમ્પર ટ્રક સાથે થઈ જોરદાર ટક્કર

પાલઘરના સંસદસભ્ય ડૉ. હેમંત સાવરાની કારનો ગઈ કાલે અકસ્માત થયો હતો. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નહોતી.

પાલઘરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ડૉ. હેમંત સાવરા મહારાષ્ટ્ર દિન નિમત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો ઘોડબંદર રોડ પર અકસ્માત થયો હોતો. સદ્નસીબે તેમને ગંભીર ઈજા નહોતી થઈ. જોકે તેમના ડ્રાઇવરને હાથમાં ફ્રૅક્ચર થયું હતું.

પાલઘરના સંસદસભ્ય ડૉ. હેમંત સાવરા સાથે અકસ્માત ગુરુવારે સવારે થયો હતો. તેઓ મહારાષ્ટ્ર દિનની ઉજવણી માટે થાણેથી પાલઘર જઈ રહ્યા હતા. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમને કારણે તેમની કારને ટ્રાફિક-પોલીસે રસ્તાની રૉન્ગ સાઇડ લેવાનો નિર્દેશ આપ્યો હતો. આમ કરતી વખતે સામેથી પૂરઝડપે આવી રહેલી ડમ્પર ટ્રક સાથે કાર જોશભેર અથડાઈ હતી.
જોકે અકસ્માત થતાં જ ઍરબૅગ્સ ખૂલી ગઈ હતી એટલે ડૉ. હેમંત સાવરા સુરક્ષિત હતા. તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે ડ્રાઇવરને હાથમાં ફ્રૅક્ચર થયું હતું. જોકે ટક્કરને કારણે તેમની કારને ખાસ્સું નુકસાન થયું હતું.

ટ્રકનો ડ્રાઇવર ફોન પર હતો

પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર ટ્રકનો ડ્રાઇવર એ વખતે મોબાઇલ ફોન પર વાત કરતી વખતે ધ્યાન ચૂકી ગયો હતો જેને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ નાયગાંવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળને કૉર્ડન કરી લીધું હતું અને આ મામલાની ઔપચારિક તપાસ શરૂ કરી હતી.

palghar road accident mumbai mumbai news maharashtra bharatiya janata party naigaon