✕

પરેલના ડૉમિનોઝ પીત્ઝાનું લાઇસન્સ સસ્પેન્ડ

14 October, 2026 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમોના ભંગ બદલ મુંબઈનાં ૩ જાણીતાં ફૂડ-આઉટલેટ્સનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ભાંડુપની માઝ હોટેલના કિચનમાં ગંદકી. મુગલ ઢાબાના કિચનમાં ગંદકી.

મુંબઈના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન સામે આવતાં FDAએ લાલ આંખ કરી છે. ખાદ્ય પદાર્થોમાં અસ્વચ્છતા, શાકાહારી અને માંસાહારી ખોરાકનું મિશ્રણ તથા અન્ય નિયમોના ભંગ બદલ મુંબઈનાં ૩ જાણીતાં ફૂડ-આઉટલેટ્સનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ (ડૉમિનોઝ પીત્ઝા), પરેલ

પરેલમાં આવેલા ડૉમિનોઝ પીત્ઝા (જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ)ને સુધારણાની નોટિસ આપ્યા પછી પણ એક જ ડીપ ફ્રીઝરમાં વેજ-નૉનવેજ સાથે રાખવાને કારણે, એક જ અવન પર ચિકન-પનીર બનાવવાને કારણે, પૅકેજિંગ રિપોર્ટ અને વાહનો અને સાધનોનો મેઇન્ટેનન્સ રેકૉર્ડ ન હોવાથી એનું લાઇસન્સ સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

માઝ ફૂડ પાર્સલ ઍન્ડ કેટરિંગ, ભાંડુપ-વેસ્ટ

ભાંડુપ-વેસ્ટમાં LBS રોડ પર આવેલી માઝ ફૂડ પાર્સલ ઍન્ડ કેટરિંગના રસોડામાં વાંદાઓનો ઉપદ્રવ, ગંદી ગટરો, કૃત્રિમ રંગોનો ઉપયોગ, બટરને બદલે ફૅટ સ્પ્રેડ વાપરીને ગ્રાહકોને છેતરવા, સ્વચ્છતાનો અભાવ અને કામદારો પાસે એપ્રન અને ગ્લવ્ઝ ન હોવાથી સોમવારે એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

મુગલ ઢાબા, કુર્લા-વેસ્ટ
કુર્લા-વેસ્ટમાં આવેલા મુગલ ઢાબામાં ઝોમાટો પરથી વાસી ખોરાકની ઑનલાઇન ફરિયાદ બાદ તપાસમાં કચરાથી ભરેલી ગટરો, ગંદું પાણી, ખરાબ વાસણો અને ફ્રિજ, ખુલ્લી કચરાપેટી અને વેજ-નૉનવેજ જોવા મળતાં સોમવારે એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

mumbai news mumbai food and drug administration maharashtra government maharashtra news tukaram mundhe lower parel