યોજના મહારાષ્ટ્રની, નેટવર્ક ગુજરાતનું

15 July, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના દુર્ગમ વિસ્તારમાં મુખ્યમંત્રી માઝી લાડલી બહિણ યોજનાનું ઑનલાઇન ફૉર્મ ભરવામાં મુશ્કેલી થઈ રહી છે

નંદુરબારના તિનસમાળ ગામમાં ટેકરી પર જઈને ગઈ કાલે ફૉર્મ ભરવામાં આવ્યાં હતાં.

મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવા માટે ‘મુખ્યમંત્રી માઝી લાડલી બહિણ’ યોજનાની જાહેરાત કર્યા બાદ રાજ્યભરમાં ઑનલાઇન અને ઑફલાઇન ફૉર્મ ભરવામાં આવી રહ્યાં છે. ગ્રામીણ ભાગમાં આંગણવાડી સેવિકા ફૉર્મ ભરી રહી છે. જોકે ઑનલાઇન સિસ્ટમથી રાજ્યના દુર્ગમ વિસ્તારમાં નેટવર્ક ન મળવાથી ગુજરાતના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ્યના સાતપુડાના દુર્ગમ ભાગમાં આજે પણ રસ્તા, વીજળી અને મોબાઇલનું પૂરતું નેટવર્ક નથી. ગુજરાતની બૉર્ડરને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના ધડગાવ તાલુકામાં આવેલા તિનસમાળ ગામમાં મોબાઇલનું નેટવર્ક નથી પહોંચતું એટલે અહીંના લોકો ટેકરી પર જઈને ગુજરાતનું નેટવર્ક મેળવીને ફૉર્મ ભરી રહ્યા છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે અને બીજી બાજુ નેટવર્કના અભાવે લોકોએ ગામ પાસેની ટેકરી પર જવું પડે છે. ગામની મહિલાઓનાં ફૉર્મ ભરવા માટે ગઈ કાલે એક સંસ્થા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકરી પર ગુજરાતનું રોમિંગ નેટવર્ક મળે છે એટલે અહીં ફૉર્મ ભરવામાં આવ્યાં હતાં. આથી યોજના મહારાષ્ટ્રની છે, પણ નેટવર્ક ગુજરાતનું વાપરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai news mumbai ajit pawar devendra fadnavis maharashtra news eknath shinde gujarat