24 November, 2026 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરના બીચ પર ચણતાં કબૂતરો
દાદર બીચની આસપાસના રહેવાસીઓએ કબૂતરોની વધતી વસ્તી અને બેરોકટોક ચણ નાખવાની પ્રવૃત્તિ સામે ફરિયાદ કરી છે અને આક્ષેપ કર્યો છે કે સત્તાવાળાઓ એ સામે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. રહેવાસીઓની ફરિયાદ છે કે કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ હોવા છતાં મુલાકાતીઓ બીચ પર અનાજ લાવવાનું ચાલુ રાખે છે. રહેવાસીઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને એમાં હસ્તક્ષેપ કરીને આ પ્રવૃત્તિ અટકાવવા વિનંતી કરી છે.
નાઈક માર્ગના ઍડ્વાન્સ્ડ લોલિટી મૅનેજમેન્ટ (ALM)નાં સેક્રેટરી તસ્નીમ શુકુલે જણાવ્યું હતું કે ‘ચણ નાખનારાઓ અનાજની મોટી ગૂણો લઈને આવે છે અને જ્યારે રહેવાસીઓ તેમને કહે છે કે ચણ નાખવાની મનાઈ છે ત્યારે અવગણે છે. અગાઉ એક વ્યક્તિએ બીચની નજીક આવેલી હૉસ્પિટલ પાસે પોતાનો અનાજનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેનો ધંધો ધમધોકાર ચાલતો હતો, કારણ કે દરદીઓનાં સગાંઓને લાગતું હતું કે તેઓ કબૂતરોને ચણ નાખીને સારું કામ કરી રહ્યા છે.’
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઑગસ્ટ ૨૦૨૫માં દાદર કબૂતરખાનું બંધ કરવામાં આવ્યું એ પછી બીચ પર કબૂતરોની વસ્તી વધી ગઈ છે. રહેવાસીઓએ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) મૉનિટરિંગ અથવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ વૉર્નિંગ કૅમેરા દ્વારા પ્રતિબંધનો સક્રિય અમલ કરાવવાની પણ માગણી કરી છે.’ G-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર યોગેશ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે એ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.