10 December, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય અનમોલ અંબાણી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ રિલાયન્સ હોમ ફાઇનૅન્સ લિમિટેડ અને એના બે ડિરેક્ટર અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણી અને રવીન્દ્ર શરદ સુધાકર સામે યુનિયન બૅન્ક (પહેલાં આંધ્ર બૅન્ક) સાથે છેતરપિંડી કરીને એને ૨૨૮ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના કેસમાં આરોપીઓ તરીકે ગુનો નોંધ્યો છે.
કંપનીએ બૅન્કની સપ્લાય ચેઇન ફાઇનૅન્સ (SCF) બ્રાન્ચ પાસેથી ૪૫૦ કરોડ રૂપિયાની ક્રેડિટ-લિમિટ લીધી હતી. સામે બૅન્કે તેમને શરતો રાખી હતી કે તેમણે એ માટે વ્યાજ અને તેમને આપવામાં આવતી સર્વિસિસના ચાર્જિસનું સમયસર પેમેન્ટ કરવું પડશે તથા સિક્યૉરિટી અને અન્ય બાબતો દર્શાવતા દસ્તાવેજો પણ સમયસર સબમિટ કરવા પડશે. વળી તેમની આખી સેલ્સની પ્રોસેસ બૅન્ક-અકાઉન્ટ થ્રૂ જ રોટેટ કરવી પડશે.
કંપની એના હપ્તા ભરવામાં નિષ્ફળ ગઈ હતી અને એથી એ અકાઉન્ટની ૨૦૧૯ની ૩૦ સપ્ટેમ્બરથી નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ તરીકે ગણતરી કરવામાં આવી હતી.
એ પછી ૨૦૧૬ની પહેલી એપ્રિલથી ૨૦૧૯ની ૩૦ જૂન સુધીનાં કંપનીનાં અકાઉન્ટ્સનું ફૉરેન્સિક એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું. એમાં જણાઈ આવ્યું હતું કે બૅન્ક પાસેથી મેળવાયેલા એ ફન્ડનો ઉપયોગ અન્ય કારણોસર કરવામાં આવ્યો હતો અને એ ફન્ડ અન્યત્ર વાળવામાં આવ્યું હતું.
બૅન્ક દ્વારા એની ફરિયાદમાં કહેવાયું છે કે કંપનીએ એ રકમ જે નિર્ધારિત ચોક્કસ કારણોસર આપવામાં આવી હતી એ માટે એનો ઉપયોગ ન કરતાં અન્યત્ર વાળી હતી અને એમ કરીને તેમણે વિશ્વાસઘાત કર્યો હતો અને છેતરપિંડી કરી હતી.