19 September, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણીની ફાઇલ તસવીર
લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) સાથે ૨૬૮૪ કરોડ રૂપિયાના રોકાણની છેતરપિંડીના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મોટી કાર્યવાહી કરી હતી. LICની લેખિત ફરિયાદ બાદ CBIએ મુંબઈની રિલાયન્સ કૅપિટલ લિમિટેડના ભૂતપૂર્વ ચૅરમૅન અનિલ ડી. અંબાણી અને રિલાયન્સ ADA ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ સહિત અન્ય સરકારી અધિકારીઓ સામે FIR નોંધ્યો હતો.
LICનો આરોપ છે કે એણે ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે ૩૯૦૦ કરોડ રૂપિયાનાં નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ખરીદ્યાં હતાં; આ ડિબેન્ચર સામાન્ય કૉર્પોરેટ હેતુઓ અને જૂનાં દેવાં ચૂકવવા માટે જાહેર કરાયાં હતાં, પરંતુ આરોપીઓએ ગુનાહિત ષડ્યંત્ર રચીને અને ખોટી માહિતી આપીને આ ફન્ડ બીજી જગ્યાએ વાપરી નાખ્યું હતું જેનાથી LICને ૨૬૮૪.૫૭ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. CBIએ હવે આ ફન્ડના અંતિમ ઉપયોગ અને ડાઇવર્ઝન વિશે તપાસ શરૂ કરી છે.